સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે ફરી એક વાર મતભેદ થયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે વિવાદ ત્રણ-ત્રણ જજની બે બેન્ચ વચ્ચે થયો છે. વાત એવી છે કે, જસ્ટિસ એમબી લોકુરની બેન્ચે બુધવારે જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચના જમીન અધિગ્રહણ સાથે જોડાયેલા એક આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે નારાજ જસ્ટિસ અરુણ મિશ્રાએ ગુરુવારે રજૂ થયેલા જમીન અધિગ્રહણના એક કેસ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ટ્રાન્સફર કરીને તેને યોગ્ય બેન્ચને સોંપવાની માગણી કરી છે અને તેઓ અગાઉના કેસની સુનાવણી કરે કે નહીં તે વિશે પણ પૂછ્યું છે. નોંધનીય છે કે, ગયા મહિને જસ્ટિસ લોકુર સહિત સુપ્રીમ કોર્ટના 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં જજે ચીફ જસ્ટિસ પર તેમની પસંદગીની બેન્ચને મહત્વના કેસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
કેમ થયો વિવાદ?
જજ અરુણ મિશ્રાની બેન્ચે એક ભૂમિ અધિગ્રહણ કેસમાં જે નિર્ણય સંભળાવ્યો હતો તેને જજ મદન લોકુરની બેન્ચે અટકાવી દીધો હતો. બેન્ચે તેમના ઓર્ડરમાં હાઈકોર્ટ્સને જસ્ટિસ મિશ્રાની બેન્ચના નિર્ણય પર વિશ્વાસ ન હોવાની વાત પણ કરી હતી.