ગેરકાયદે બાંધકામ અંગે થયેલી પૈસાની માગણી અંગે તમામનો નાર્કો ટેસ્ટ કરાવી દુધનું દુધ અને પાણીનું પાણી કરવા માગ
શહેરના સામાકાંઠા વિસ્તારના પેડક રોડ પર મુકેશ કાકડીયાના ગેર કાયદે બાંધકામ તોડી પાડતું અટકાવવા રૂ.૫ લાખ પડાવ્યાના આક્ષેપ અંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિરૂધ્ધ થયેલી રજૂઆત બાદ સિલ્વર અને ઇમીટેશન એસોસિએશનના વેપારીઓએ સમગ્ર ઘટનાનું દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તટસ્ત તપાસ કરવા અને તમામના નાર્કો ટેસ્ટ કરવાની માગી કરતી રજૂઆત કરી છે.
મુકેશ કાકડીયા રાજકીય મ્હોરૂ બની ખોટા આક્ષેપ કરી ધારાસભ્ય અરવિંદ રૈયાણીને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ સાથે બંને એસોસિએશનના હોદેદારોઓએ પોલીસના લોક દરબારમાં મુકેશ કાકડીયાએ લેખિત રજૂઆત કર્યા બાદ તેની અરજીના સંદર્ભે પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ હાજર રહ્યા ન હોવાથી તેઓ માલાફાઇડ ઇરાદાથી ધારાસભ્ય રૈયાણી વિરૂધ્ધ અરજીઓ અને રજૂઆત કરતા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવા મુકેશ કાકડીયા, તેના પરિવારજનો અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીના લાઇ ડીટેકટર ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરાવી સત્ય વિગતો બહાર લાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને રજૂઆત કરી છે. પોલીસ મશીનરીનો થતો દુર ઉપયોગ સામે વિરોધ દર્શાવી તટસ્થ તપાસની માગણી કરી છે.