કસ્તુર કાપડિયાનો જન્મ પોરબંદર ના ગોકુલદાસ અને વૃજકુંવરબા કાપડિયાના ઘરે થયો હતો અને તેમણે મહાશિવરાત્રીની તિથી અને તા ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ ના દિવસે પુણેના આગાખાન મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
૧૮૮૨માં તેમના લગ્ન મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થયા હતા. કસ્તુરબામહાત્મા ગાંધી કરતા ૫ મહિના અને ૨૨ દિવસ મોટા હતા. મોહનદાસના પિતા કરમચંદને ખાતરી હતી કે કસ્તુર જ તેમના પરિવાર માટે આદર્શ પુત્રવધૂ સાબિત થશે. વિદેશથી બાપુ આવ્યા બાદ પણ કસ્તુરબાએ આખરી શ્વાસ સુધી બાપુના ખભેથી ખભા મિલાવી અને કામ કર્યું હતું.
ઇસ ૧૯૦૬માં મહાત્મા ગાંધીએ ૩૭ વરસની ઉમરે આજીવન બ્રહ્મચર્ય પાળવાનો આંચકાજનક નિર્ણય લીધો હતો. ત્યારે કસ્તુરબાએ તેમનો આ નિર્ણય પણ સહર્ષ સ્વીકારી લીધો હતો અને આ અંગે કયારેય વિરોધ કર્યો ન હતો.
આ ઉપરાંત તેમને જેલવાસ પણ વેઠ્યો હતો.. દક્ષીણ આફ્રિકામાં ૧૯૧૩ ની સાલમાં એવો કાયદો આવ્યો કે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલા લગ્ન કે જે ત્યાના અમલદાર પાસે રજીસ્ટર ન થયા હોય તે સિવાયના કોઈ પણ લગ્નો માન્ય ગણાશે નહી. બાપુએ આ કાયદા સામે સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો, જેમાં કસ્તુરબા પણ આ લડાઈમાં જોડાયા હતા અને જેલવાસ પણ વેઠ્યો હતો.
જયારે બાપુએ આગાખાન મહેલમાં ઉપવાસ ચાલુ કર્યા ત્યારે તેઓને મળવા આવનાર આશ્રમની એક બાળાને જણાવ્યું હતું કે બાપુએ પોતાના હાથે કાંતેલ સુતરની સાડીઓ મને જેલમાં મોકલી આપજો મારા મરણ પછી મારા દેહ પર એ સાડી જ લપેટવાની છે. આમ તેઓના અવસાન પછી જયારે ચિતા પર ચડ્યા ત્યારે પણ બાપુ એ પોતાના હાથે કાંતેલ સુતરની સાડી જ પહેરી હતી
પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કિર્તીમંદિરમાં ઉપરના ભાગે ફક્ત મહિલાઓ માટેની એક લાયબ્રેરી બનાવવામાં આવી છે જેને કસ્તુરબા લાયબ્રેરી નામ અપાયું છે જો કે હાલ ના સમયમાં આ પુસ્તકોનું વાંચન ઘટતું જતું હોવાથી તેનો ઉપયોગ નહિવત મહિલાઓ જ કરે છે
આઝાદીની ચળવળ દરમિયાન કસ્તુરબાને રાજકોટ નજીક ત્રંબા ગામ ખાતે નજરકેદ કરાયા હતા. આઝાદી બાદ આ ગામનું નામ કસ્તુરબા ધામ કરાયું હતું. જ્યાં કસ્તુરબાને નજરકેદ કરાયા હતા તે સ્થળે હાલમાં કસ્તુરબા મેમોરીયલ તરીકે સ્મારક બનાવાયું છે.