ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેપારના મુદ્દે વિપક્ષે મચાવ્યો ભારે હંગામો
ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરાવવામાં સરકાર નિષ્ફળ નિવડી: ધાનાણી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગેરકાયદે દારૂના વ્યાપારના મુદે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભારે હોબાળો મચાવી દીધો હતો. જેથી અલ્પેશ ઠાકોરને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
વડોદરા અને નર્મદા જીલ્લામાં મોટાપાયે દારૂ જપ્તીને લઈ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અલ્પેશ ઠાકોર વચ્ચે ઉગ્ર માહોલ સર્જાયો હતો. બીજા કોંગી ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોરના પ્રશ્ર્નનો લેખિત જવાબ આપતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, પોલીસ વિભાગ ગુજરાતમાં પ્રોહિબીશન કાયદો લાગુ કરવા માટે આવશ્યક તમામ કાર્યવાહી કરી રહ્યું છે.
પ્રદિપસિંહ જાડેજાના આ જવાબથી અસંતુષ્ટ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. પરેશ ધાનાણીના આ આક્ષેપ બાદ ગૃહમાં વધુ ઉગ્ર માહોલ ઉભો થયો હતો. પરેશ ધાનાણી અને પ્રદીપસિંહ જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. અલ્પેશ ઠાકોરના ઉગ્ર વલણથી પરેશ ધાનાણીએ તેમને શાંત રહેવા અને સીટ પર બેસી જવા વિનંતી કરી હતી તેમ છતાં અલ્પેશ ઠાકોરે દારૂબંધીને લઈ હોબાળો ચાલુ રાખ્યો હતો. જેના પરિણામે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.