નાયબ નીતિનભાઈ પટેલે વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર ગૃહમાં રજુ કર્યું ખેડુતો અને બેરોજગારો માટે અનેક જાહેરાતો વિપક્ષ કોંગ્રેસનો હંગામો
ગુજરાતની ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રનો ગઈકાલથી વિધિવત આરંભ થયો છે. રાજયપાલ ઓ.પી.કોહલીના અભિભાષણ અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે વિધિવત શપથગ્રહણ કર્યા આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર ગૃહમાં રજુ કર્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા આ બજેટમાં ખેડુતો અને બેરોજગારો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયના વણથંભયા વિકાસને વેગ આપવા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરાઈ છે. આજે બજેટમાં વિરોધ પક્ષ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ પુન:બહુમતી સાથે સતા પર આવ્યું છે. જોકે ભાજપની બેઠકોમાં તોતીંગ ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાતવાસીઓને આકર્ષવા માટે બજેટમાં અનેકવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ રજુ કરતી વેળાએ એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, રાજયની વર્તમાન સરકાર એક માત્ર વિકાસને ફોકસ કરવા માંગે છે અને વિકાસને વેગ મળે તેવું ફુલ ગુલાબી બજેટ રજુ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮નું અર્થાત ચાલુ સાલના બજેટનું કદ રૂ.૧,૭૨,૧૭૯ કરોડનું હતું. આગામી નવા નાણાકીય વર્ષના બજેટનું કદ આથી પણ વધુ રાખવામાં આવ્યું છે. રાજય સરકારની મુખ્ય આવક એવો વેટની જગ્યાએ જીએસટી આવ્યા બાદ સરકારની આવકમાં તોતીંગ ઘટાડો થયો છે છતાં કેન્દ્ર સરકાર આ ગાબડાને ભરપાઈ કરી દેશે તેવો વિશ્ર્વાસ બજેટમાં વ્યકત કરવામાં આવ્યો છે. બજેટનું મુખ્ય ફોકસ ખેડુત રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ખેડુત અને કૃષિલક્ષી બજેટ આપવામાં આવ્યું હતું તે જ રીતે રાજય સરકાર દ્વારા પણ ખેડુતને કેન્દ્રમાં રાખી બજેટમાં અનેકવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
રાજયમાં દરેક યુવાનને કામ મળી રહે તે માટે પણ કેટલીક નવી યોજનાઓની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ ચૂંટણી યોજાવાની ન હોવા છતાં બજેટમાં તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવ્યા છે અને એકંદરે ફુલ ગુલાબી બજેટ આપવાનો પ્રયાસ નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતિનભાઈ પટેલ અગાઉ પાંચ વખત રાજય સરકારનું બજેટ રજુ કરી ચુકયા છે. આ તેઓનું છઠું બજેટ છે. રાજય સરકાર દ્વારા બજેટમાં ફુલ ગુલાબી જાહેરાતો કરવામાં આવી છે.
જેનો વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જયારે નાણામંત્રી બજેટનું વાંચન કરી રહ્યા હતા ત્યારે પણ ગૃહમાં કોંગી ધારાસભ્યોએ ભારે ગોકીરો મચાવ્યો હતો.
નીતિન પટેલે છઠ્ઠી વખત બજેટ રજુ કર્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે છઠ્ઠી વખત રાજય સરકારનું બજેટ રજુ કરવાનું બહુમાન હાંસલ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારનું અંદાજપત્ર સૌથી વધુ વખત રજુ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ આ અગાઉ પાંચ વખત રાજય સરકારનું બજેટ રજુ કરી ચુકયા છે. આજે તેઓએ છઠ્ઠી વખત બજેટ રજુ કર્યું હતું. જેમાં રાજયના તમામ વર્ગને આવરી લેતા લોકો માટે અનેકવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રીના બજેટને રાબેતા મુજબ શાસક પક્ષે બે મોઢે વખાણ્યું હતું તો વિરોધપક્ષે બજેટને વગોવ્યું હતું.
મહાનગરો પર સરકાર મહેરબાન
ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપ સરકારને બચાવવા માટે રાજયના મહાનગરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એકમાત્ર જુનાગઢ મહાપાલિકાને બાદ કરતા તમામ સાતેય મહાપાલિકાઓના મતદારો અડિખમ ભાજપની પડખે ઉભા રહેતા રાજયમાં સતત છઠ્ઠીવાર પુન:બહુમત સાથે સરકાર રચવામાં ભાજપ સફળ થયું છે. ચૂંટણીમાં સાથ આપનાર મહાપાલિકાઓના મતદારોનું ઋણ ચુકવવામાં રાજય સરકારે કોઈ પાછીપાની કરી ન હતી. આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલે નવી સરકારના પ્રથમ બજેટ વિધાનસભા ગૃહમાં રજુ કર્યું હતું. જેમાં રાજયના અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મહાનગરો માટે કેટલીક વિશેષ જાહેરાતો પણ કરવામાં આવી હતી.