વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી: ૧૮૨ બેઠકો માટે ૧૫૦૦થી વધુ મુરતિયાઓ અંગે ચર્ચા
દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓમાંથી ઉઠતો હમ સાથ સાથે હૈ નો સૂર આ વખતે પણ ઉઠી રહ્યો છે. જોકે ઉમેદવારોની પસંદગી બાદ આ સુર કેટલો સુરીલો રહે છે તે આવનારો સમય જ બતાવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સંભવિત ઉમેદવારોની પસંદગી કરવા માટે ગઈકાલે ગુજરાતના પ્રભારી ગુ‚દાસ કામતના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેના રાજયની ૧૮૨ બેઠકો પૈકી ૧૫૦ બેઠકો પર કેવા ઉમેદવારો રાખવા તેની ચર્ચા કરવામાં આવી હતી. સિટીંગ એમએલએને ચાલુ રાખવાની પણ શકયતા જણાય રહી છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકુળ વાતાવરણ છે ત્યારે ખભેખભા મીલાવી ભાજપને પડકાર આપવા કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓએ ‘હમ સાથ સાથ હૈ’નો રાગ છેડયો હતો.સ્થાનિક સ્વરાજયની ચુંટણી હોય, વિધાનસભાની ચુંટણી હોય કે પછી લોકસભાની ચુંટણી હોય કોંગ્રેસને ખુદ કોંગ્રેસ જ હરાવતી હોય છે. સંગઠનનો અભાવ, પાયાના કાર્યકરોની સતત થતી અવગણના અને આંતરિક હંસાતુસીમાં કોંગ્રેસ અનેકવાર જીતેલી બાજી હારી જતુ હોય છે. ગુજરાતમાં સતાધારી પક્ષ ભાજપ સામે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન, રાજયમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા દલિતો પર અત્યાચાર સહિતના મુદ્દાઓ મોટા પડકાર છે. આવામાં દેશની સૌથી જુની રાજકીય પાર્ટી અને હાલ દેશમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી કોંગ્રેસ ગુજરાતમાં ‘કોંગ્રેસ આવે છે’ના સ્લોગન સાથે મેદાનમાં ઉતરી છે.
જેને સાકાર કરવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલે ‘હમ સાથ સાથ હૈ’નો નાદ વધુ બુલંદ બનાવ્યો છે. જો આ નાદ વિધાનસભાની ચુંટણી સુધી મજબુત બની ટકી રહેશે તો ભાજપ માટે મોટો પડકાર ઉભો થશે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પરથી ચુંટણી લડવા માટે કોંગ્રેસમાં ૧૫૦૦થી વધુ દાવેદારો છે. ૧૮૨ બેઠકો પૈકી ૧૫૦ બેઠકો એવી છે જયાં કોંગ્રેસ માટે જાતની સંભાવના રહેલી છે. આ તમામ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ગઈકાલની બેઠકમાં રાષ્ટ્રીય પ્રભારી ગુ‚દાસ કામતની હાજરીમાં ગંભીરતાથી ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ માટે આ અંતિમ તક છે. હાલ દેશમાં તમામ રાજયોમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી રહી છે. આવામાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ ટાઉન એવા ગુજરાતમાં કોંગ્રેસ ચુંટણી જીતવામાં સફળ થશે તો દેશભરમાં કોંગી કાર્યકરોમાં નવા જ સંચારનું નિર્માણ થશે. ચુંટણી પહેલા તો કોંગ્રેસમાં એકતાનો નાદ ઉઠે છે પરંતુ મોટા માથાઓ પોતાના મળતીયાઓને ટિકિટ આપવામાં ઉંધા માથે મહેનત કરે છે. બાદમાં ટિકિટ ન મળતા તેઓ નિષ્ક્રીય થઈ જાય છે અને ખુદ કોંગ્રેસના કાર્યકરો કોંગી ઉમેદવારોને હરાવવા મહેનત કરવા લાગે છે. વર્ષોથી આવણલખેલી પરંપરા ચાલી આવે છે હવે આ વર્ષે ‘હમ સાથ સાથ હૈ’નો સુર કેટલો ટકે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરતા અનેક તર્ક વિતર્કો સર્જાય હતી. દરમિયાન ગઈકાલે બાપુએ એવો ખુલાસો કરવો પડયો હતો કે હું મુખ્યમંત્રીની રેસમાંથી બાબુની આ વાત ભલે સામાન્ય લાગતી પણ તેનો અર્થ ખુબ જ વિશાળ થાય છે બાપુ સામેથી મુખ્યમંબીની રેસમાં નિકળી ગયા કે તેઓએ હાઈકમાન્ડના આદેશ બાદ આવુ નિવેદન આપવું પડયું તે પણ વિચાર માંગી લેતી વાત છે. કોંગ્રેસ માટે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સાનુકુળ વાતાવરણ હોવા છતા મોટામાથા સલામત બેઠકની શોધમાં છે.
ગુજરાતમાં આગામી સપ્તાહથી જ તાલુકા-જિલ્લાથી માંડીને પ્રદેશના નિરિક્ષકો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, હોદ્દેદારો બે દિવસ મતવિસ્તારમાં રોકાઈને સ્થાનિક કાર્યકરો-આગેવાનો ચચ્ચા વિચારણા કરીને ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવાની કામગીરી કરશે. આ યાદી પ્રદેશને સુપરત કરાશે. પ્રદેશ ચૂંટણી સમિતિ પેનલ તૈયાર કરીને હાઈકમાન્ડને સુપરત કરશે અને ત્યારબાદ સત્તાવાદ ઉમેદવારોની જાહેરાત થશે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મને ટિકિટ ન મળી તો જેને ટિકિટ મળી છે તેને પાડી દેવાની માનસિકતા છોડવી પડશે. રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહે ગોહિલે કહ્યું કે, વ્યક્તિને નહીં પરંતુ પંજાને જ આપણો ઉમેદવાર ગણીને આગળ વધો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો. તુષાર ચૌધરીએ ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક લોકોની બાદબાકી ન થાય તે જોવા અનુરોધ કર્યો હતો તો પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પ્રદેશનું માળખું ઝડપથી જાહેર કરવા અપીલ કરી હતી. કોંગી આગેવાન ઈરશાદ મિરઝા, નારણ રાઠવા, રાજુ પરમાર સહિતના અગ્રણીઓએ સંબોધન કર્યું હતું.
હાર-જીત પચાવવી પડે. કોંગ્રેસ યુપીમાં સફળ નથી થઈ કારણ કે, ૨૦૦૨માં ગુજરાતથી ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરનારાઓએ ત્યાં પણ સમાજને તોડવા અને માનવતાને મારી નાખનારા ટૂંકા મનના માણસો સામે કોંગ્રેસે ચૂંટણીના ભોગે સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી. ટિકિટના દાવેદારોમાં જીતી શકે તેવા બીજી કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવે તો તેનો વિરોધ ન કરવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી જીતવાની રણનીતિ જાહેરમાં ચર્ચાનો વિષય નથી. આ ગણતરીઓ તમામને સમજાય તેવી હોતી નથી. ગુજરાતની ચૂંટણી દેશનું ટર્નિંગ પોઈન્ટ બની રહેવાની છે ત્યારે તમામ કોંગીજનોને એડીચોટીનું જોર લગાવવા તેમણે અનુરોધ કર્યો હતો. સરકાર બનશે તો નેતાઓ અને કાર્યકરો બધાને તેનો લાભ મળશે તેથી પક્ષ દ્વારા જે ઉમેદવાર જાહેર કરવામાં આવે તેને જીતાડવા માટે બનતું બધું જ કરી છૂટવાની શીખ આપી હતી. પ્રભારી ગુરુદાસ કામતે કોંગી કાર્યકરોને ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પરાજયની હતાશા ખંખેરીને ગમે ત્યારે ચૂંટણી આવી પડે તેના માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી