ભાજપના ઉમેદવાર પરેશભાઈ પીપળીયાએ કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમને ૨૧૦૧ મતોથી હરાવ્યું: મહાપાલિકામાં ભાજપની બહુમતી વધુ મજબુત
કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરના અવસાનથી ખાલી પડેલી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ની એક બેઠક માટે શનિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ઠકકરબાપા પ્રાથમિક શાળામાં હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં માત્ર દોઢ કલાકમાં જ પરીણામ આવી ગયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર પરેશભાઈ પીપળીયા ૨૧૦૧ મતથી વિજેતા બન્યા છે. ભાજપ માત્ર સવા બે વર્ષમાં કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવામાં સફળ થયું છે. આ સાથે મહાપાલિકામાં ભાજપની બહુમતી પણ મજબુત થવા પામી છે. હવે મહાપાલિકામાં ભાજપના નગરસેવકોની સંખ્યા પણ ૩૯ અને કોંગ્રેસના નગરસેવકોની સંખ્યા ૩૩ થઈ ગઈ છે.
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૪માં ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર અને એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. તાજેતરમાં વોર્ડના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરના અકાળે અવસાનના કારણે એક બેઠક ખાલી પડી હતી. આ એક બેઠક માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું. જેમાં ૪૦.૩૩ ટકા જેટલું મતદાન થયું હતું. આજે સવારે મતગણતરી હાથ ધરાઈ હતી.
જેમાં ભાજપના ઉમેદવાર પરેશભાઈ પીપળીયાએ પોતાના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના કૈલાશભાઈ નકુમને ૨૧૦૧ મતથી પરાજય આપ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે સામાકાંઠે બુલડોઝર ફેરવી દીધું હતું અને રાજકોટ પૂર્વ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૪માં ટીમ બીજેપીએ એક જુટ થઈને ચૂંટણી લડી હતી. જેમાં પરીણામ પક્ષને મળ્યું છે. આજે મતગણતરીના માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપના ઉમેદવાર પરેશભાઈ પીપળીયાનો શાનદાર વિજય થયો છે. આ સાથે મહાપાલિકામાં ભાજપની બહુમતી મજબુત બની છે.