સુકા પવનોને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં આવતા દિવસો ગરમ રહેશે
શિયાળાની ઋતુને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. તેમજ ઉનાળાની ઋતુના ગરમીના દિવસોના મંડાણ થઈ ગયા છે. હવામાનની વાત કરીએ તો, ગુજરાતમાં તાપમાનો પારો ઉંચકાયો છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ધ્રીજાવતી ઠંડી બાદ હવે ઉનાળો પરસેવો વળાવશે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સામાન્ય તાપમાન ૩૪ ડિગ્રી સેલ્શીયસ છે. પૂર્વ-પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગરમ પવનો વાતા ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચે આવ્યો છે. જેથી હળવી ગરમી પણ અનુભવાઈ છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, અમદાવાદમાં ૩૩.૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન નોંધાયું છે. જોકે આ તાપમાન સામાન્ય તાપમાન કરતા ૨.૭ ડિગ્રી વધુ છે.
રાજકોટમાં પણ સામાન્ય તાપમાન છે. ઈન્ડિયા મેટેઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડીના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં ઓછામાં ઓછું તાપમાન ૧૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. તેમજ દિવસભર તડકો રહેશે. જેથી થોડી ગરમી પણ અનુભવાશે. સુકા પવનોને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં આવતા દિવસો ગરમ રહેશે અને તાપમાનનો પારો સામાન્ય કરતા વધુ ઉંચકાય તેવી શકયતા છે.