તા. ૧૯ ફેબ્રૂઆરી – ગોંડલ ખાતે સર ભગવતસિંહજીના સમયથી શિક્ષણના હેતુથી શરુ થયેલ સૌરાષ્ટ્રની સૌથી જુની શૈક્ષણિક સંસ્થા આજે વટવૃક્ષ બની ગાંધી વિચારધારા મુજબ શિક્ષણકાર્ય કરી રહી છે તેના સ્થાપના નામ સાથે જોડાયેલ શ્રી બાલુભાઈ પટેલ વિદ્યાપીઠનો નવપ્રસ્થાન કાર્યક્રમ કેન્દ્રીય ક્રૃષિ મંત્રી, ખેડુત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના રાજ્યમંત્રીશ્રી પુરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
રૂા. ૭ કરોડના ખર્ચે બીલીયા નજીક નેશનલ હાઈવે ઉપર ગાંધી વિચારધારાને વરેલ બાલુભાઈ પટેલના કાર્યોનો સર્વે સમાજને લાભ મળે તે પ્રકારની બોર્ડીંગમાં રહી દેશ અને વિદેશમાં સ્થાયી થયેલ પટેલ સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી આ બોર્ડીંગ નિર્માણ પામશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પુરષોતમ રૂપાલાએ દિપપ્રાગટ્ય કરી વિદ્યાપીઠના નવપ્રસ્થાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની માંગને ધ્યાને રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર કેળવણીના અનેક નવા આયામો ખોલી રહી છે. ત્યારે બાલુભાઈ પટેલ કે જે આઝાદી પછીના શૈક્ષણિક ક્ષેત્રના શ્રેષ્ઠ દોરવણીકાર હતા તેના સિધ્ધાંતોને આ વિદ્યાપીઠમાં ચરિતાર્થ કરી દરેક સમાજના શૈક્ષણિક પાયાને વધુ મજબુત બનાવીએ તે સાથે સાથે વધુ ફીવાળી સંસ્થામાં જ બાળકને સારૂ શિક્ષણ મળશે તેવા ભ્રામક વિચારોમાંથી બહાર નીકળી આજની પેઢીને મૂલ્યવર્ધક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે વાલીઓ સમજદાર બને અને આપણા વડવાઓએ આપેલ સંસ્કારો, પ્રતિષ્ઠાને ઉજાગર કરવા શિક્ષણકાર્યમાં નમ્ર બની શ્રેષ્ઠ સમાજ નિર્માણ કરવા સૌ કટીબધ્ધ થઈએ.
આ પ્રસંગે અમેરિકાથી પધારેલ શ્રી બાલુભાઈ પટેલના પુત્ર ડો. અશોકભાઈએ સૌનો ઋણ સ્વીકાર કરી શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીના સહયોગીઓને બીરદાવ્યા હતા તેમજ જેરામભાઈ વાસજાળીયાએ બાલુભાઈ વિદ્યાપીઠને રૂા. ૧૦ લાખની સહાય કરી હતી.
આ તકે ગોંડલ અગ્રણીશ્રી જેન્તીભાઈ ઢોલ, શ્રી બી.જે.ધોડાસરા, શ્રી દીનેશભાઈ પટેલ,સહિતના મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરેલ હતું.
આ પ્રસંગે ડો. તરૂલતાબેન પટેલ, શ્રી ચંદુભાઈ અધેરા, શ્રી જેન્તીભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, મનસુખભાઈ પટેલ, વેલજીભાઈ દેસાઈ, બી.એન.ગોલ, ઠાકરસીભાઈ મેતલિયા, મનીષભાઈ ચાંગેલા, સહિત અનેક સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.