- રાજકોટ– સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયો બિનવારસુ ગાંજો
- સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ૪ કિલો ૪૫૦ ગ્રામ બિનવારસુ ગાંજો ઝડપાયો
- પકડાય જવાના ડરથી આરોપી ગાંજો બીનવારસી હાલતમાં છોડી ફરાર
- એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કરી રેલવે પોલીસ દ્વારા તપાસ શરુ
સુરતમાં ટ્રેનમાંથી બિનવારસુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ– સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૪ કિલો ૪૫૦ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા જથ્થો ઝડપાયો છે. આર્થીક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પકડાય જવાના ડરથી ગાંજો બીનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો. ત્યારે અજાણ્યા ઇસમ વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કરી રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસે દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નં.22718 રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નં.1 ઉપર આવી ઉભી રહી હતી. જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચઢી સ્નિફર ડોગ ડ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નં.એસ/09 અને એસ/10ની વચ્ચેના કોરીડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં પડી હતી.
બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. જેથી ડોગ હૅન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહએ આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યુ હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે? જે અંગે પૂછપરછ કરતાં આ બેગનુ કોઇ માલિક મળી આવ્યું નહિ. જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો.
બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી એન.ડી.પી.એસ. એકટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી છે.