સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા ડેમને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાના ભાગરૂપે આ બંને સાઈટ્સના વચ્ચેના ભાગે રોપ-વેનું નજરાણું ઉમેરવાનું નક્કી થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનથી રોપ-વે યાને ઉડન ખટોલા સ્થાપવા વિચારણા હાથ ધરાઈ છે. રોપ-વેમાં બેસીને એક તરફ નર્મદા ડેમ અને બીજી તરફ યુનિટી સ્ટેચ્યૂ માણી શકાશે.
હાલમાં મુખ્યત્વે પાવાગઢ, અંબાજી, ગિરનાર તથા સાપુતારા એમ ચાર જગ્યાએ રોપ-વે પ્રોજેક્ટ્સ ઉષા બ્રેકો કંપની દ્વારા ચાલે છે એટલે નવો રોપ-વે પ્રોજેક્ટ પણ આ જ કંપનીને સોંપાઈ શકે તેમ છે. જો કે આ માટે જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. અલબત્ત, આ પ્રોજેક્ટ નર્મદા નિગમ દ્વારા હાથ ધરવો કે ટૂરિઝમ વિભાગ દ્વારા, તે હજી નક્કી થયું નથી. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘે મહાશિવરાત્રિના દિવસે સ્ટેચ્યૂ તથા ડેમ સાઈટ્સની મુલાકાત લીધી હતી.
આ અખબાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આશરે રૂ. ૩ હજાર કરોડના ખર્ચે સાધુ બેટ ખાતે ૧૮૨ મીટરની વિશ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરીકે સ્થાપવાનું કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ કામગીરીમાં લગભગ ૨ હજાર જેટલા કામદારો બાંધકામની પ્રક્રિયામાં રોકાયેલા છે.
સ્ટેચ્યૂ સુધી લઈ જતો ફૂટ બ્રિજ લગભગ પૂર્ણતાના આરે છે. સમગ્ર પ્રોજેક્ટ આવતા ઓક્ટોબર સુધીમાં પૂરો કરી મોટાભાગે ૩૧મી ઓક્ટોબરે સરદાર જયંતીએ આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્ય સચિવે નર્મદા ડેમ ખાતે BIPT- ઈન્ટિગ્રેટેડ બાયપાસ ટનલ પણ નિહાળી હતી. એમણે કહ્યું કે, અત્યારે મધ્ય પ્રદેશ તરફથી ડેમમાં પાણીનો આવરો સંતોષજનક હોઈ લગભગ પખવાડિયા બાદ BIPT દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનું શરૂ થશે અને ડેમમાં પાણીનો જથ્થો જોતાં આ વર્ષે જો વરસાદ બે મહિના મોડો આવશે તો પણ સમગ્ર ગુજરાતને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે.