- પનીર બનાવવામાં સૌથી સામાન્ય ભેળસેળમાં પામ અથવા સોયાબીન જેવા વનસ્પતિ તેલનો કરાય છે ઉપયોગ :પનીરને સફેદ કરવા ડિટર્જન્ટ અથવા યુરિયા જેવા કૃત્રિમ રસાયણોનો ઉમેરો
પનીરના શાકથી શરૂ કરીને પનીર ચીલી સુધી મોટાભાગના લોકોને પનીર નું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જતું હોય છે. તેમજ શાકાહારીઓ માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. ઘણીવાર પોષણશાસ્ત્રીઓ સંતુલિત આહારના ભાગ રૂપે પનીરવાળુ ખાવાની ભલામણ કરતા હોય છે. પરંતુ જો એ જ પનીર બીમારી અને રોગોનું કારણ બને તો શું થશે? તાજેતરના અહેવાલ મુજબ, કર્ણાટકના ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તેણે બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકમાં પૂરા પાડવામાં આવતા અનબ્રાન્ડેડ પનીરમાં બેક્ટેરિયાની હાજરી અને નોન-ડેરી એડિટિવ્સનો ઉપયોગ થતો હોવા અંગે શોધી કાઢ્યું છે.
ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કે.ના નેતૃત્વમાં થયેલ નિરીક્ષણોમાં, તેઓએ ડેરી ઉત્પાદનોમાં હાનિકારક તત્વો, બેક્ટેરિયલ દૂષણ અને ખાદ્ય સલામતી ધોરણોના ઉલ્લંઘનને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને નિરીક્ષણ દરમિયાન, કર્ણાટકમાંથી 163 પનીરના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં બેંગલુરુના 17 નમૂનાઓનો સમાવેશ થાય છે. 17 પનીરના નમૂનાઓમાંથી બે નમૂનાઓ ખાવા માટે અસુરક્ષિત માનવામાં આવ્યા હતા. અને રાજ્યભરમાં, 18 માર્ચ સુધીમાં 163 નમૂનાઓમાંથી માત્ર 4 નમૂનાઓ ભેળસેળ વગરના હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા નમૂનાઓનું હજી પરીક્ષણ ચાલી રહ્યું છે.નિષ્ણાતોના મતે, પનીરમાં ભેળસેળમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે સસ્તા, બિન-ડેરી પદાર્થો ઉમેરવામાં આવે છે. પનીર બનાવવામાં સૌથી સામાન્ય ભેળસેળ પામ અથવા સોયાબીન જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે, જે દૂધમાં ચરબીનું પ્રમાણ વધારવા માટે ભેળવવામાં આવે છે. મિશ્રણને ઘટ્ટ કરવા માટે સ્ટાર્ચ અથવા લોટ પણ ઉમેરવામાં આવે છે અને ફુલ-ક્રીમ દૂધને બદલે સ્કિમ્ડ મિલ્ક પાવડર અથવા હલકી ગુણવત્તાવાળા મિલ્ક સોલિડ્સનો ઉપયોગ ઘણીવાર કરવામાં આવે છે. ડિટર્જન્ટ અથવા યુરિયા જેવા કૃત્રિમ રસાયણો પણ પનીરને સફેદ કરવા અથવા તેની ઉપજ વધારવામાં ઉમેરવામાં આવે છે, જે ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઉભા કરે છે.
નકલી પનીર કેવી રીતે ઓળખવું ??
– ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળ ચકાસવા માટે ઘણા બધા પરીક્ષણો અને પગલાં જારી કર્યા છે. જેમાં ફક્ત તમારા સ્વચ્છ હાથે થોડું પનીર મસળી લો. ભેળસેળવાળું પનીર સ્કિમ્ડ દૂધથી બને છે, તેથી, તે હાથના દબાણને સહન કરી શકતું નથી અને તૂટી જાય છે.
– આ ઉપરાંત પનીર કુદરતી છે કે કૃત્રિમ તે ચકાસવા માટે, તમે આયોડિન ટિંકચરનો ઉપયોગ કરી શકો છો. એક તપેલીમાં પાણી ઉમેરો, તેમાં પનીર મૂકો, અને તેને ઉકાળો. તેને ઠંડુ થવા દો, પછી આયોડિન ટિંકચરના થોડા ટીપાં ઉમેરો જો તેનો રંગ વાદળી થઈ જાય તો પનીર કૃત્રિમ છે. – પનીરને થોડા પાણીમાં ઉકાળો, અને તે ઠંડુ થયા પછી, તેમાં થોડો તુવેર દાળ પાવડર ઉમેરો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. જો પનીરનો રંગ આછો લાલ થઈ જાય, તો તે સંકેત છે કે પનીર ડિટર્જન્ટ અથવા યુરિયાથી બનાવવામાં આવ્યું છે.
– થોડું પનીર પાણીમાં ઉકાળો, તેને ઠંડુ થવા દો, અને પછી તેમાં થોડું સોયાબીન પાવડર ઉમેરો. જો પનીરનો રંગ આછો લાલ થઈ જાય, તો તે સંકેત છે કે પનીર ડિટર્જન્ટ અથવા યુરિયાથી બનાવવામાં આવ્યું છે.
– પનીરનો સ્વાદ ચકાસી ખરીદતા પહેલા હંમેશા તેનો નાનો ટુકડો લો, ખાસ કરીને ખુલ્લા કાઉન્ટરવાળા. જો તે ચાવેલું હોય, તો તે કૃત્રિમ હોય, અને જો તેનો સ્વાદ ખૂબ ખાટો હોય, તો એવી શક્યતા છે કે પનીર ડિટર્જન્ટ અથવા અન્ય કોઈપણ હલકી ગુણવત્તાવાળા ઉત્પાદન સાથે ભેળસેળ કરેલું હોય.