- ‘અંત:કરણને વધુ વિશુદ્ધ અને વિશાળ બનાવે એ શિક્ષણ છે’: સ્વામી રામતીર્થ
`શિક્ષણ એ મનુષ્ય ઘડતર મારફતે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયા છે.જેવું શિક્ષણ તેવો મનુષ્ય ને જેવો મનુષ્ય તેવો સમાજ.એ એક સર્વસ્વીકૃત સમીકરણ છે.પ્રત્યેક બાળક અનંત સંભાવનાઓ લઈને જન્મે છે,પરંતુ એ બને છે એવું જ – જેવું શિક્ષણ એને મળે છે.આમ રાષ્ટ્રની અવધારણાનું કાર્ય શિક્ષણ પર નિર્ભર છે.એટલા માટે શિક્ષણ પ્રક્રિયાનું સાતત્ય અનિવાર્ય છે.સાથોસાથ શિક્ષણ દ્વારા પરંપરા અને પ્રગતિ બંને સમ્યક રીતે ગતિશીલ બને એ પણ એટલું જ જરૂરી છે.
દરેક રાષ્ટ્ર પોતાનાં જીવન દર્શન દ્વારા રાષ્ટ્રમાં વસતા સમાજનું જીવન લક્ષ્ય અને આદર્શોનું નિર્માણ કરે છે.એ આદર્શો પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.દરેક રાષ્ટ્રના જીવન દર્શન પર આધારિત તે દેશનું શિક્ષણ દર્શન હોય છે.જે દેશની રાષ્ટ્રીય ચેતના,સંસ્કૃતિ અને પરંપરાને વ્યક્ત કરે છે. આઝાદીના 75 વર્ષ પછી જ્યારે દેશ અમૃતકાળમાં પ્રવેશી ગયો છે ત્યારે પણ આજના શિક્ષણે દેશને અભારતીય જીવન શૈલી, અભારતીય જીવન દ્રષ્ટિ, પાશ્ચાત્ય જીવન દર્શન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન આપ્યાં છે.
ભૌતિકતાની બોલબાલા, ભોગપરાયણ જીવન, નાણાં જ આર્થિક બાબતોનું માપદંડ અને સત્તા માટે સંઘર્ષ એ આજના શિક્ષણનો પરિપાક છે. શિક્ષણની અવધારણા જ આર્થિક છે. પરિણામે આર્થિક અસમાનતા, સામાજિક વિષમતા,ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પાપાચાર, પર્યાવરણ વિનાશ જેવાં દુષ્પરિણામો ભારત વર્ષની 75 વર્ષની રાજકીય સ્વાધીનતાના કાળમાં વધુ વિકરાળ બન્યાં છે. ગરીબી, બેકારી, સ્ત્રી-અવહેલના, ગ્રામ-દારિદ્રય અને નિરક્ષરતા એ આજના શિક્ષણનું બિહામણું ચિત્ર છે.
આજના શિક્ષણમાં મૂલ્ય નિષ્ઠા,વિદ્યા માટે પ્રેમ,જ્ઞાન પ્રાપ્તિનું સામર્થ્ય,સંસ્કારો માટે પ્રેમ, સાદગીનું ગૌરવ આ બધાનો સતત ઘસારો થતો રહ્યો છે.
આજે શિક્ષણની વ્યાખ્યા દિવસે દિવસે ટૂંકી થતી જાય છે. આજે વિદ્યા રાજનીતિની ગુલામ બની વિષમ પરિસ્થિતિઓમાં અસહાય બની છે. શિક્ષણની વ્યાખ્યા એટલી ટૂંકી થઈ ગઈ છે કે આપણે એને માત્ર બે શબ્દોમાં બાંધી શકીએ છીએ: (1)વર્ગખંડમાં ભરવું,(2) પરીક્ષા ખંડમાં કાઢવું. આજનું શિક્ષણ એટલે પરીક્ષા. પરિભાષાનો થોડો અર્થવિસ્તાર કરીએ તો પરીક્ષામાં અપેક્ષિત ગુણ પ્રાપ્ત કરવા સ્પર્ધા કરવી. એના આધાર પર અમુક જ વિદ્યાર્થી વ્યવસાય અથવા રોજગાર માટે પસંદગી પામી શકે છે અને બાકી બેકારોની ફોજમાં ભરતી થવા માટે સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી બની ફરતા જોવા મળે છે.આ શિક્ષણે વિદ્યાર્થીઓને હાલતી ચાલતી લાશ બનાવી દીધા છે.તેઓ જીવી રહ્યા નથી.આજે અણું પુરુષ તો મળે છે,વિરાટ પુરુષ નથી મળતા.ડો.રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું: ’આજના શિક્ષણે વિદ્યાર્થીઓને બૌદ્ધિક દ્રષ્ટિથી નિર્ધન,હૃદયથી કઠોર અને શારીરિક રીતે માયકાંગલા બનાવી દીધા છે.’
વિનોબા ભાવેએ કહ્યું હતું : ’શહેરોમાં વિદ્યાલયો તો ઘણાં ખૂલ્યાં,પણ એમાંથી વિદ્યાનો લય એટલે કે બાદબાકી થઈ ગઈ છે. વર્તમાન શિક્ષણ નિરર્થક છે.હવે શિક્ષિત હોવું કોઈ પ્રકારનું ગૌરવ નથી.પરંતુ અગૌરવ છે.માત્ર શિક્ષણનો અર્થ છે જીવનથી અલગ પાડેલું મૃત શિક્ષણ.આ બદલવા માટે કેટલા આયોગ રચાયા એને કેટલીય સમિતિઓની રચના કરવામાં આવી,પણ તેમના બધા પ્રયાસોને એક કબાટમાં પૂરી દેવામાં આવ્યા. આવું એટલા માટે કરવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ શોધકર્તાને શોધ કરવી હોય તો તેને કામ આવે કે કેટલા પ્રયાસો થયા, કેટલો ખર્ચ થયો અને સુધારાની દ્રષ્ટિથી શું પરિણામ આવ્યું.પણ નિશ્ચિત સ્વરૂપે શોધકર્તાને નિરાશ થવું પડશે.શું સ્થિતિ આવી જ રહેશે ? નિરાશા અસુરોનું પ્રબળ અસ્ત્ર છે. જે બેસી ગયું તેનું ભાગ્ય પણ બેસી ગયું.જે એક વખત ઊભો થઈ આશાવાદી બની ચાલવા માંડ્યો તે જ સ્થિતિ અને ભાગ્યને બદલી શકશે.
શિક્ષણ દ્વારા સંસ્કાર ઘડતરની પ્રક્રિયામાં એક તરફ વિચારશીલતા અને બીજી તરફ ભાવનાઓ વિકસે એ રીતે વિચારશીલ મનુષ્ય ઊર્ધ્વગામી બને, સત્કર્મના પાયા પર ઊભો રહે, સમષ્ટિભાવ ધારણ કરી, ખુમારી પ્રગટાવી જીવન જીવે તો દયા – કરુણા,સ્નેહ – પ્રેમ,મમતા – વાત્સલ્ય,નિર્ભયતા – ત્યાગ, સેવા – સમર્પણ, સદ્ભાવના અને સહિષ્ણુતા કેળવનાર બને. આ પ્રકારના શિક્ષણ દ્વારા હૃદયને વિશાળ,મનને શાંત અને ચિત્તને પ્રસન્ન રાખે તે મૂળભૂત ભૂમિકા હોવી જોઈએ.
શિક્ષણ મનુષ્યને ઘડનાર, સંસ્કારી બનાવનાર, ધર્મ,સંસ્કૃતિ પરંપરાનું જ્ઞાન આપનાર હોવું જોઈએ.શિક્ષણ વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ પામનાર, સત્યનો સાક્ષાત્કાર કરાવનાર હોવું જોઈએ.શિક્ષણ પ્રત્યેક જીવ સાથે સંવાદિતાની સ્થાપના કરાવનાર હોવું જોઈએ.શિક્ષણ રાષ્ટ્રીય ચેતના,દેશભક્તિ, સ્વાભિમાન પ્રગટાવનાર હોવું જોઈએ.શિક્ષણ સમાજની ભલાઈ, ઉત્કર્ષ, વિકાસ અને સામાજિક સમરસતાનું દ્યોતક હોવું જોઈએ.
આપણે જ્ઞાન – વિજ્ઞાનમાં અદ્વિતીય હતા.વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહ્યું હતું: ’જો ભારતે શૂન્યની શોધ ન કરી હોત તો આધુનિક આવિષ્કારો પણ શૂન્ય રહી ગયા હોત.’ આર્યભટ્ટે આજથી બે હજાર વર્ષ પૂર્વે પાઈ(ખ્ર)ની કિંમત શોધી હતી તેવા વિશ્વના પ્રથમ નાગરિક હતા. બીજગણિત, ત્રિકોણમિતિ ગણતરી – આ બધું જ્ઞાન ભારતે વિશ્વને આપ્યું.વિશ્વનું સર્વ પ્રથમ વિશ્વવિદ્યાલય તક્ષશિલામાં સ્થાપિત થયું.જેમાં વિવિધ દેશોના દસ હજાર પાંચસો વિદ્યાર્થીઓ સાઈઠ વિષયોનું જ્ઞાન મેળવતા. ઈસા પૂર્વે ચોથી શતાબ્દીમાં નાલંદા વિશ્વવિદ્યાલય શિક્ષણ ક્ષેત્રમાં ભારતનો કીર્તિસ્તંભ હતું.ચરકના કારણે રાષ્ટ્રએ ચિકિત્સા ક્ષેત્રે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું.સમુદ્રી જહાજના જ્ઞાનમાં આપણે અગ્રેસર હતા. આપણી આ બધી ઉપલબ્ધિઓ ભારતીય ઈતિહાસના સુવર્ણપૃષ્ઠો છે,જેનો સમાવેશ આપણાં અભ્યાસક્રમમાં નથી.આવી રીતે શિક્ષણ પ્રક્રિયામાંથી આપણા પ્રેરણાસ્રોતોને નિર્મૂળ કરી નાખવામાં આવ્યા.
બાળક શિખતા શીખે (હયફક્ષિશક્ષલ જ્ઞિં હયફક્ષિ),કાર્ય કરતા શીખે (હયફક્ષિશક્ષલ જ્ઞિં મજ્ઞ) અને સાથે મળીને રહેતા શીખે (હયફક્ષિશક્ષલ જ્ઞિં હશદય જ્ઞિંલયવિંયિ) એવું શિક્ષણ બાળકને આપવું જોઈએ.
આપ પરિવર્તનના વાહક બનશો…?