- દેણું કરીને ઘી પીવાય?
- 2025-26 માટે બજારમાંથી કુલ 14.82 લાખ કરોડ રૂપિયાની લોન એકત્ર થવાનો અંદાજ, જેમાંથી પ્રથમ છ મહિનામા 54 ટકા લોન લેવાશે
કેન્દ્ર સરકાર આગામી 6 મહિનામાં 8 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. નાણાં મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન લાંબા ગાળાની સિક્યોરિટીઝ દ્વારા 8 લાખ કરોડ રૂપિયાનું દેવું એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે. આ રકમ મહેસૂલ ખાધને પહોંચી વળવા માટે એકત્ર કરવામાં આવશે. જો કે આ રકમ એકત્ર કરવાથી ફુગાવો વધવા અને ચલણ નબળું પડવા સહિતની અનેક સમસ્યાઓ સર્જાવાની નિષ્ણાંતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 2025-26 માટે બજારમાંથી કુલ 14.82 લાખ કરોડ રૂપિયાની લોન એકત્ર થવાની ધારણા છે. આમાંથી, લાંબા અને નિશ્ચિત પાકતી મુદતવાળી સિક્યોરિટીઝ દ્વારા પ્રથમ છ મહિનામાં 8 લાખ કરોડ રૂપિયા એટલે કે 54 ટકા લોન લેવાની યોજના છે. આમાં 10,000 કરોડ રૂપિયાના સરકારી ગ્રીન બોન્ડનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં મહેસૂલ ખાધને પહોંચી વળવા માટે લાંબા ગાળાની સિક્યોરિટીઝ જારી કરીને 14.82 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
રાજકોષીય ખાધ રૂ.15.68 લાખ કરોડ રહેવાનો અંદાજ
નાણાકીય વર્ષ 2025-26 માં રાજકોષીય ખાધ, એટલે કે સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત, જીડીપીના 4.4 ટકા હોવાનો અંદાજ છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે 4.8 ટકા રહેવાની સંભાવના છે. સંપૂર્ણ રીતે, 2025-26 માટે રાજકોષીય ખાધ રૂ.15,68,936 કરોડ હોવાનો અંદાજ છે. રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે, લાંબા ગાળાની સિક્યોરિટીઝમાંથી ચોખ્ખી બજાર ઉધાર રૂ. 11.54 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બાકીની રકમ નાની બચત અને અન્ય સ્ત્રોતોમાંથી આવવાની અપેક્ષા છે.
રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે રૂ. 11.54 લાખ કરોડની જરૂર
રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે લાંબા ગાળાની સિક્યોરિટીઝમાંથી ચોખ્ખી બજાર ઉધાર રૂ. 11.54 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બાકીની રકમ નાની બચત અને અન્ય સ્ત્રોતોમાંથી આવવાની અપેક્ષા છે. નાણામંત્રીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26માં, દેવાને બાદ કરતાં કુલ આવક અને ખર્ચ અનુક્રમે રૂ. 34.96 લાખ કરોડ અને રૂ. 50.65 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આમાં, ચોખ્ખી કર આવક રૂ. 28.37 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
સરકાર રૂ.10,000 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ જારી કરશે
સરકાર બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે રૂ.10,000 કરોડના ગ્રીન બોન્ડ જારી કરશે. આ સાથે, નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માં દર અઠવાડિયે 19,000 કરોડ રૂપિયાના ટ્રેઝરી બિલ જારી કરવામાં આવશે.સરકાર 3, 5, 7, 10, 15, 30, 40 અને 50 વર્ષના પાકતી મુદત સાથે સરકારી સિક્યોરિટીઝ બોન્ડ જારી કરશે. કુલ ઉધારના 26% થી વધુ 10-વર્ષના બોન્ડ દ્વારા એકત્ર કરવામાં આવશે.જૂના બોન્ડ્સના રિડેમ્પશન ટેન્શનને ઘટાડવા માટે સ્વિચિંગ ઓપરેશન્સ અને સિક્યોરિટી બાયબેક હાથ ધરવામાં આવશે.