લક્ષ્મી મિત્તલે ઉત્તમ ગાલ્વા સ્ટીલમાં આર્સેલરમિત્તલનો ૨૯.૫ ટકા હિસ્સો ખોટ ખાઈને વેચી દેવાનો નિર્ણય લીધો છે. આ સપ્તાહના અંતે સોદો પૂરો થાય તે પછી મિત્તલ આ કંપનીના સહ-સ્થાપક નહીં રહે એમ સૂત્રોએ જણાવ્યું હતું. મિત્તલે નવ વર્ષ પહેલાં ઉત્તમ ગાલ્વામાં રોકાણ કર્યું હતું.
ઉત્તમ ગાલ્વાના પ્રમોટર મિગલાની પરિવારની ગ્રૂપ એન્ટિટી સાઇનાથ ટ્રેડિંગ કંપની આર્સેલરમિત્તલ નેધરલેન્ડ્સ ઇટના ૪.૧૩ કરોડ શેરો પ્રતિ શેર ₹૨૪નાં ભાવે ખરીદશે. આ બ્લોક ટ્રેડ ચાલુ સપ્તાહે થવાની ધારણા છે. સોદાના પગલે મિલનાની પરિવાર ઉત્તમ ગાલ્વામાં ૬૦.૮૭ ટકા હિસ્સો ધરાવશે અને બાકીનો હિસ્સો જાહેર જનતા પાસે રહેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને મિગલાની પરિવારે ભંડોળની વ્યવસ્થા કરી લીધી છે. આ હિલચાલ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આરબીઆઇએ તૈયાર કરેલી ડિફોલ્ટર્સની બીજી યાદીમાં ઉત્તમ ગાલ્વાનું નામ છે. આને કારણે પ્રમોટર્સ વર્તમાન બેન્કરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસના ભાગરૂપે વેચાવા મુકાનારી એસેટ્સ માટે બિડ નહીં કરી શકે. ઉત્તમ ગાલ્વાના ડિરેક્ટર અંકિત મિગલાનીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે આર્સેલરમિત્તલના પ્રવક્તાએ પણ પૃચ્છાનો કોઈ જવાબ આપ્યો ન હતો. વર્ષ ૨૦૦૯માં વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલે ઉત્તમ ગાલ્વામાં ટુકડે ટુકડે હિસ્સો ખરીદ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, મિત્તલે પ્રથમ હિસ્સો ₹૧૨૦ના ભાવે ૫ ટકા શેર સાથે ખરીદ્યો હતો. આ સાથે કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. સપ્ટેમ્બરથી ઉત્તમ ગાલ્વાને એનપીએમાં વર્ગીકૃત કરાઈ હતી. કંપની ₹૫,૫૦૦ કરોડનું અને ગ્રૂપની બીજી કંપનીઓ ₹૫,૦૦૦ કરોડનું દેવું ધરાવે છે.