મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત: આજ સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૮મી ફેબ્રુઆરીના રોજ ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની મુદત આજે પૂર્ણ થતી હતી દરમિયાન લોકોના મળી રહેલા જબ્બર પ્રતિસાદને પગલે મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની મુદતમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં બીજી વખત ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
અલગ-અલગ ૬ કેટેગરી માટે યોજાનારી મેરેથોન માટેનું રજીસ્ટ્રેશન કરવાની મુદત આજે પૂર્ણ થતી હતી. આજ સુધીમાં કુલ ૩૫ હજારથી વધુ લોકોએ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સતત રજાઓના કારણે કેટલાક લોકો રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા હોય એવા મતલબની રજુઆત મળતી હતી કે રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવે જેના પગલે લોકોનું વિશાળ હિત ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મેરેથોન માટે આગામી બુધવાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
મહાપાલિકાની વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોન ઓફિસોમાં બુધવારે સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મેરેથોનનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જયારે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આવતા સપ્તાહથી મેરેથોનની કીટનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે.