- રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત ગીર સોમનાથ જિલ્લાના એસ.ટી.ના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી
- વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું
- આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી લેટેસ્ટ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે : વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આજે વેરાવળ ખાતે આ લોકાર્પણને સંપન્ન કરતાં મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદથી સોમનાથને જોડતી લેટેસ્ટ વોલ્વો બસ આગામી 10 દિવસમાં જ શરૂ કરવામાં આવશે. જેથી દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો યાત્રાળુઓને લાભ થશે.
મંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાત એસટી દ્વારા ગત વર્ષે 24 લાખ નાગરિકોને એસટીની સેવા ઉપલબ્ધ કરાવી છે. જે આ વર્ષે વધીને 27 લાખ થઈ છે અને આવનારા વર્ષમાં તેને 30 લાખ સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્યાંક છે.
ગુજરાત એસ.ટી. દ્વારા વિવિધ તહેવારો, ઉત્સવો અને પ્રસંગો દરમિયાન એકસ્ટ્રા બસોનું સંચાલન કરીને લાખો નાગરિકોને એમના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. એસ.ટી.ના કર્મચારીઓ હોળી, દિવાળી જેવાં તહેવારોનો ભોગ આપીને મહિલાઓને તેમના પિયર સુધી સલામત રીતે પહોંચાડવાની અનોખી સેવા બજાવે છે, ત્યારે એસ.ટી.ના કર્મચારીઓના પડતર પ્રશ્નો પ્રત્યે પણ રાજ્ય સરકાર હકારાત્મક વલણ દાખવીને તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત છે.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિવભક્તો સોમનાથ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટે રેલ કનેક્ટિવિટી વધારવામાં આવી છે, તો સોમનાથની આસપાસના દિવ અને કેશોદ ખાતે વિમાનની સેવાની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી છે.
જે રીતે સોમનાથનો ચહુમુખી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં વેરાવળમાં જેની પાસે ઘર હશે તેને હોટલ જેટલું ભાડું ઉપલબ્ધ થવાનું છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વેરાવળ અને સોમનાથમાં મોટાપાયે સ્વચ્છતાની કામગીરી હાથ ધરાઈ છે. આ સ્વચ્છતા જળવાશે તો દર્શનાર્થીઓની સંખ્યામાં પણ આપોઆપ વધારો થશે. તેમણે પોતાની ગાડીમાં જે રીતે સ્વચ્છતા જાળવો છો, તેવી જ સ્વચ્છતા એસ.ટી.ને પોતાની મિલકત સમજીને જાળવવા માટે હાર્દભરી અપીલ પણ આ તકે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નિગમને નવીન ડેપો-વર્કશોપના બાંધકામ સહાય થકી જૂનાગઢ એસ.ટી. વિભાગના વેરાવળ ખાતે રૂ.448.56 લાખના ખર્ચે 22,808 ચો.મીમાં તૈયાર થયેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપ, કોડિનાર ખાતે રૂ.411.71 લાખના ખર્ચે 21,487 ચો.મીમાં નવીન ડેપો-વર્કશોપમાં અત્યાધુનિક સગવડતાઓ અને મુસાફર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
આ વર્કશોપમાં એડમીન રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઈલ રૂમ, સ્ટોર રૂમ, ડી.એમ.ઓફિસ, ટોઈલેટ અને વોશરૂમ, એક સર્વિસપીટ, સર્ક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મિક્ષ ફ્લોરિંગ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ તકે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલા મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, ધારાસભ્ય સર્વે ઉદય કાનગડ, સંજય કોરડિયા, એસ.ટી.વિભાગ નિયામક એમ.બી.રાવલ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા,જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ડેપો મેનેજર દિલિપ શામળા સહિત અગ્રણી સર્વે ઝવેરી ઠકરાર, સંજય પરમાર અને એસ.ટી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ : અતુલ કોટેચા