- નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ખેડૂતોના કલ્યાણ માટે, ભૂમિની ફળદ્રુપતા માટે, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે અને પર્યાવરણના રક્ષણ માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિને રાષ્ટ્રવ્યાપી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઘોષણા કરી છે. આગામી તા. પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અમલી થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનના અમલીકરણ માટેની સજ્જતા અને આનુષાંગિક આયોજનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા હતા.
વિકસિત ભારત@2047 માટે ગુજરાતના વિશ્વવિદ્યાલયોના યુવાનોની સહભાગીતા માટેની માર્ગદર્શક બાબતો તથા પર્યાવરણ રક્ષણ માટે રાજ્યમાં હાથ ધરાયેલી કામગીરી અંગે પણ તેમણે પ્રધાનમંત્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નશામુક્તિ અભિયાનમાં વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓની સહભાગીતા વિશે વિમર્શ કર્યો હતો. આવનારા ઉનાળાના દિવસોમાં વીજળીની માંગને પહોંચી વળવાના ઉપાય તરીકે વીજ બચત ઝુંબેશ અને વીજળીના કરકસરયુક્ત ઉપયોગ માટે લેવાઈ રહેલા પગલાં વિશે પણ તેમણે વાતચીત કરી હતી. બંને મહાનુભાવોને રાજ્યપાલએ શુભકામનાઓ પાઠવી હતી.