- અલગ-અલગ 6 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય પ્રશ્ર્નોત્તરી કાળમાં તંદુરસ્ત ચર્ચા થશે કે એક કલાક વેડફી મરાશે
- રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 6 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરનો પ્રશ્ર્ન ચોથા ક્રમે છે. છતાં તેઓ પોતાના પ્રશ્ર્નનો જવાબ માંગવા માટે ઉગ્ર દલીલ કરે તેવું હાલ દેખાઇ રહ્યું છે.
બોર્ડના એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં પ્રથમ ક્રમે હોય તે નગરસેવકના જ પ્રશ્ર્નની લાંબી-લાંબી ચર્ચા કરવામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ વેડફી નાંખવામાં આવતો હોય છે. આવતીકાલે પણ આજ સિસ્ટમ રહેશે કે શાસકો હિંમત રાખી તમામ નગરસેવકોને પોતાના પ્રશ્ર્નોનો સંતોષકારક જવાબ અપાવી શકશે. બોર્ડમાં કુલ 17 કોર્પોરેટરોએ 26 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં ભાજપના 15 કોર્પોરેટરોએ 20 પ્રશ્ર્નો અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. સૌથી પહેલો પ્રશ્ર્ન મંજુબેન કુંગશીયાનો છે. તેઓએ સરકારી માહિતી માંગતા હોય તેવો પ્રશ્ર્ન રજૂ કર્યો છે. જેની લાંબી-લાંબી ચર્ચામાં એક કલાકનો સમય વેડફી નાંખવામાં આવે તેવું લાગી રહ્યું છે. અગાઉ પોતાના પ્રશ્ર્નોના યોગ્ય જવાબ મળતા ન હોવાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરો સામૂહિક રજા-રિપોર્ટ મૂકી બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. આવતીકાલે બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઇના પ્રશ્ર્નનો ક્રમ ચોથો અને વશરામભાઇ સાગઠીયાના પ્રશ્ર્નનો ક્રમ છઠ્ઠો છે. ત્યારે તેઓને જવાબ મળશે નહિં તે ફાઇનલ છે. છતાં વિપક્ષ બોર્ડમાં પોતાના પ્રશ્ર્નનો જવાબ માંગવા માટે ઉગ્ર દલીલ કરશે.
બોર્ડમાં અલગ-અલગ 6 દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે જેમાં ટીપી સ્કિમ નં.9માં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના અનામત પ્લોટ પર સીએનજી બસ માટે ડેપો બનાવવા, વોર્ડ નં.3માં એઇમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલા સર્કલને ઇશ્ર્વરિયા મહાદેવ સર્કલ નામ આપવું, કુવાડવા રોડ પર ડી-માર્ટ વાળા ચોકનું બેચરભા પરમાર નામકરણ કરવા, ટીપી સ્કિમ નં.11 માધાપરમાં બે સર્વે નંબરનો સમાવેશ કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.