- તા. 15-03-2025 થી 30-04-2025 સુધી જિલ્લાનાં પશુપાલકોને તેમના પશુઓને રસી મુકાવવા અનુરોધ
રાજ્ય વ્યાપી ખરવા મોવાસા રોગ અટકાવ રસીકરણ અર્થે ભારત સરકારના પશુ પાલન અને ડેરી વિભાગ, નવી દિલ્લી દ્વારા જારી કરેલ FMD-NADCP નાં માર્ગદર્શક સિદ્ધાંતો મુજબની અમલવારી અર્થે ખરવા મોવાસા રોગ અટકાવવાના રસીકરણ કાર્યક્રમનાં છઠા રાઉન્ડનું રાજ્યવયાપી અભિયાન તા. 15-03-2025 થી 30-04-2025 સુધી ચાલશે.
જે અંતર્ગત ખેડા જિલ્લામાં દુધાળા તેમજ ઘર આંગણાના પશુઓમા ઉદભવતા ખરવા-મોવાસા રોગના નિયંત્રણ માટે અગમચેતીના ભાગરૂપે પશુઓમાં ખરવા-મોવાસા રોગની રસી મુકાવવી ખુબજ જરૂરી છે. ખેડા જીલ્લાના પશુપાલન સ્ટાફ,અમુલ ડેરીનાં સ્ટાફ અને સાબરમતી આશ્રમ ગૌશાળા બીડજના સ્ટાફ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને ખેડા જીલ્લાના આશરે 7.05 લાખ ગાય, ભેંસ સહિતના પશુઓને નિ:શુલ્ક રસી મુકવામાં આવશે.
ખેડા જીલ્લાના પશુઓમાં આ રસી મુકવાથી પશુઓને ખરવા-મોવાસા રોગથી સુરક્ષિત કરવામા આવશે.
આ વિષાણુ જન્ય ખરવા-મોવાસા રોગ સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. અને આ રોગથી પશુઓમાં ઉગ્ર તાવ, મોઢા અને પગમાં ચાંદા પડવા પશુઓનું લંગડાપણ થવું, મોઢામાંથી સતત લાળ પડવી અને ગાભણ પશુઓનું તરવાઈ જવું વગેરે લક્ષણો જોવા મળે છે. જેના પરિણામે દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનમાં અને નર પશુઓની કાર્યક્ષમતામાં ખુબજ ઘટાડો થાય છે. આ રોગથી મોઢામાં ચાંદા પડવાથી ખોરાક લઇ ન શકવાના કારણે તેમનું વજન પણ ઘટી જાય છે. અને ક્યારેક નાના બચ્ચાઓ મરણ પામે છે. તો આ પરિસ્થિતિને ધ્યાને લઇ રાષ્ટ્રીય આર્થિક સદ્ધરતામાં વધારો કરવા પશુપાલન શાખા ખેડા જિલ્લા પંચાયતનાં નાયબ પશુપાલન નિયામક અને અમુલ ડેરી આણંદ દ્વારા નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તા. 15-03-2025 થી 30-04-2025 સુધીમાં ખેડા જિલ્લાનાં તમામ પશુપાલકોએ પોતાના ગાય અને ભેસ વર્ગના પશુઓને રસી મુકાવવા નાયબ પશુપાલન નિયામક ખેડા જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.