- નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળનો તા.17 થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ
- રાજ્યમાં *આર્થિક સુરક્ષા’ વિષય અંગે અભ્યાસ કરશે
ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ અર્થે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર ‘આર્થિક સુરક્ષા’ વિષય અંગેનો અભ્યાસ તેમના અભ્યાસક્રમમાં અગત્યનું પાસું સાબિત થશે તેવો વિશ્વાસ રાજયપાલએ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રાલય હસ્તકની તાલીમ સંસ્થા નેશનલ ડિફેન્સ કોલેજ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર અને સમકક્ષ રેન્કના અધિકારીઓ, સંયુક્ત સચિવ/નિયામક સ્તરના વહીવટી સેવાઓના અધિકારીઓ અને 32 મિત્ર દેશોના લશ્કરી અધિકારીઓ માટે ‘રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ’ પર 47 સપ્તાહનો અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
આ અભ્યાસક્રમ અંતર્ગત અભ્યાસ પ્રવાસ તરીકે વિવિધ રાજ્યોની મુલાકાત લેવામાં આવે છે. જેમાં આર્થિક સુરક્ષા અભ્યાસ માટે નેશનલ ડિફેન્સ કોલેજના શિક્ષકો અને અભ્યાસક્રમના સદસ્યો દ્વારા આઠ જૂથોને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળની મુલાકાત માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ આ રાજ્યોના આર્થિક અને સામાજિક વિકાસને સમજી શકે.
આ મુલાકાતનો હેતુ રાજ્યને લગતા વિવિધ પાસાઓનો અભ્યાસ કરવાનો છે. જેમાં આર્થિક અને સામાજિક વિકાસ, IT ક્ષેત્રની પ્રગતિ, પ્રવાસન, ઉદ્યોગ, ગ્રામીણ અને શહેરી વિકાસ અને અન્ય ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. નેશનલ ડિફેન્સ કોલેજ પ્રતિનિધિમંડળ તેમના અભ્યાસની સાથે મહામહિમ રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને વિભાગોના વડાઓની મુલાકાત લેશે, તેમજ રાજ્ય વહીવટીતંત્રના વિવિધ સ્તરે અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે.
ગુજરાતની મુલાકાતે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજ પ્રતિનિધિમંડળ મેજર જનરલ એ.કે. સિંઘ, AVSM, VSM, સિનિયર ડિરેક્શન સ્ટાફ, NDCના નેતૃત્વ હેઠળ આવ્યા છે. આ ટીમમાં ભારતીય સશસ્ત્ર દળો, વિદેશી દેશો અને નાગરિક સેવાઓના અધિકારીઓ છે. આ પ્રતિનિધિમંડળમાં જાપાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઓમાન અને તાન્ઝાનિયાના 6 અધિકારીઓ પણ સમાવેશ કરવામાં આવ્યો છે.