- એકસપ્રેસ વેનું કામ મે માસમાં પૂર્ણ થઈ જવાની સંભાવના
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ગ્રીન ફિલ્ડ અલાયમેન્ટમાં રૂ. 550.49 કરોડના ખર્ચે 9.56 કી.મી. લંબાઇના લિંક રોડનું બાંધકામ હાથ ધરવામાં આવનાર છે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આશરે 920 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે એક ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી આકાર પામી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં 153 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કામગીરી હાથ ધરેલ છે.
મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા સરખાતે રિન્યૂ દ્વારા સોલાર સેલ તેમજ સોલાર મોડ્યૂલના ઉત્પાદનની ફેસિલિટી કાર્યરત્ છે તેમજ ટાટા પાવર દ્વારા 300 મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
આ જ પ્રકારે, પોલિકેબ દ્વારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઉત્પાદન યુનિટના નિર્માણની તથા ટાટા સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિક્ધડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. સમગ્ર ધોલેરા દ્વારા ભવિષ્યમાં 8 લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.
વિશ્વકર્માએ કહ્યું કે ધોલેરાસર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ધોલેરા મેટ્રો રેલ ટ્રાન્સપોર્ટ તથા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અન્વયે ભીમનાથથી ધોલેરા સર સુધી ફ્રેઇટ રેલનું બાધકામ કરવાનું આયોજન છે. જેમાં 109 કિ.મી. લંબાઇના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની કામગીરી મે-2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ એક્સપ્રેસ-વેની વિશેષતા વિશે માહિતી આપતાં મંત્રીએ કહ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના એમ્બેન્કમેન્ટના બાંધકામમાં આશરે 35 લાખ ઘન મીટર રિસાઇકલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદના લગભગ 80 એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી 29 એકર જમીન વેસ્ટમુક્ત થશે. તદુપરાંત, અલગ-અલગ થર્મલ પાવર સ્ટેશનમાંથી અંદાજિત 173.82 લાખ ઘન મીટર ફ્લાયએશનો જથ્થો પણ એક્સપ્રેસ-વેના બાંધકામમાં વપરાશમાં લેવામાં આવશે.
એક્સપ્રેસ-વેની બંને બાજુ ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કુલ આશરે 97.19 હેક્ટર વિસ્તારમાં 97,195 જેટલાં વૃક્ષોની વાવણી પણ કરવામાં આવશે. વધુમાં, આ વિસ્તારના વન્યજીવનની અવરજવરને ધ્યાને રાખીને 4.50 મીટર 7 મીટર સાઇઝના વાઇલ્ડ લાઇફ ક્રોસિંગની જોગવાઇ પણ કરવામાં આવી છ.
તદુપરાંત, એક્સપ્રેસ-વે દૈનિક બંને બાજુ આશરે 25000 વાહનોની અવર જવરની ક્ષમતાને ધ્યાને લઇ ડીઝાઇન કરવામાં આવેલ છે. જેના પર મહત્તમ સ્પીડ લિમિટ 120 કિ.મી. પ્રતિ કલાકની રહેશે.
ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સદર એક્સપ્રેસ-વેને ચાર-લેનમાંથી બાર-લેન સુધી પહોળો કરી શકાય, તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક કનેક્ટીવીટીમાં વધારો કરવા માટે આ એક્સપ્રેસવે પર ચાર રસ્તાઓ માટે અડાલજ જેવા ક્લોવરલીફનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.