- રાજકોટના જવાહર રોડ પર આવેલી
- કાચની બારી તોડી તસ્કરો ત્રાટક્યા : એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
રાજકોટ શહેરમાં વધુ એક વાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જવાહર રોડ પર આવેલી મીના ગોલ્ડ બાયર પેઢીના બારીનો કાચ તોડી ત્રાટકેલા તસ્કરોએ રૂ. 10.81 લાખનું સોનું અને રોકડ ઉઠાવી ગયાનો બનાવ એ ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે. મામલામાં પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીની ઘટનામાં જામનગર રોડ પર આવેલા પુનિતનગર વિસ્તારમાં રહેતા વેપારી ધવલભાઇ અશોકભાઈ નાગર(ઉ.વ.35)એ એ ડીવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શહેરના જવાહર રોડ પર ગેલેક્સી હોટેલની સામે આવેલ મારુતિ કોમ્પલેક્ષમાં ચોથા માળે 412 નંબરની ઓફિસમાં મીના ગોલ્ડ બાયર નામે પેઢી ચલાવી સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ગત તારીખ 16 માર્ચના રોજ રાત્રે તેઓ રાબેતા મુજબ તેમની પેઢી બંધ કરીને ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં બીજા દિવસે સવારે 10 વાગ્યા આસપાસ તેઓ રાબૂતા મુજબ પેઢી ખાતે પહોંચતા તેમણે બારીનો કાચ તૂટેલી હાલતમાં જોયો હતો.
જે બાદ વેપારીએ તેમની પેઢીની ઓફિસમાં આવેલ ટેબલના ડ્રોવર ચેક કરતા તેમાં રાખેલ સોનાના દાગીના આશરે 158.8 ગ્રામ જેની કિંમત રૂ. 10.11 લાખ તથા રોકડ રકમ રૂ. 70,000 એમ મળી કુલ રૂપિયા 10,81,000ની મતા મળી આવી ન હતી. જેથી કોઈ અજાણ્યા તસ્કરે ચોરીને અંજામ આપી દીધાની દ્રઢ શંકા પાકી થઈ ગઈ હતી.
ચોરીની ઘટનામાં તાત્કાલિક વેપારીએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે મામલામાં રૂ. 10.81 લાખની ચોરી ની ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરી છે. સાથોસાથ તસ્કરને શોધવા ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો પણ કામે લાગી છે.