- ભાડે રાખેલા ફ્લેટમાં ટ્રેડીંગની કમાણી છૂપાવી રાખતા’તા: ડીઆરઆઈ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન
ખોખા કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરનાર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી ડિરેકટરોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ના એક સંયકુત દરોડામાં 95.5 કિલોગ્રામ સોનું, પાંચ કિલો જેટલા સોનાના ઘરેણા અને 10 રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. બજાર ભાવે જપ્ત કરવામાં આવેલા સોનાનું મૂલ્ય રૂ.100 કરોડ આંકવામાં આવે છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે રાખી પિતા-પુત્ર શેરબજારની કાળી કમાણી સોના અને રોકડ તરીકે છૂપાવતા હોવાના કૌભાડનો આ સાથે પર્દાફાશ થયો છે.
દરોડા પાડનાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે હજી પણ સોના અને રોકડની માત્રમાં વધારો થઇ શકે છે. દરોડામાં હવાલા, કરોડોના નાણકીય વ્યવહારો અને બીટકોઈન જેવી ક્રિપ્ટોના વ્યવહારો અંગે પણ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો અનુસાર આ દરોડામાં 100 કિલો સોનું અને ઘરેણા તથા રૂ.10 કરોડની રોકડ મળી આવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે જપ્તી અને અન્ય કાર્યવાહી હજી ચાલુ છે અને આ કેસમાં મહેન્દ્ર શાહ કે તેના પુત્રની ધરપકડ કરવાની બાકી છે. જપ્ત કરવામાં આવેલું સોનું સ્મગલિંગ થકી પણ જપ્ત કરવામાં આવ્યું હોય એવી શક્યતા પણ તપાસ દરમિયાન ચકાસવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પિતા-પુત્ર રીઅલ એસ્ટેટમાં ફાઈનાન્સ અને રોકડ નાણા સામે વ્હાઈટની એન્ટ્રીનો ધંધો કરે છે. એવી શક્યતા છે કે કૃત્રિમ રીતે શેરના ભાવમાં વધારો કરવાના ઓપરેશનના હિસાબમાં કોઈ વ્યક્તિ સાથે લેનડેન સમયે પડેલા વિખવાદમાં પિતા-પુત્રની કરતૂત અંગે એજન્સીને બાતમી આપવામાં આવી હોય જેના આધારે આ દરોડા પડયા છે.
દેશના કુલ શેરબજારના ટર્નઓવરમાં અમદાવાદ દેશમાં બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત, ડબ્બા ટ્રેડીંગ, શેરના ભાવ ઓપરેટ કરવા જેવા કામકાજ કરતા ડઝન જેટલા ઓપરેટર અમદાવાદમાં પ્રવૃત્ત છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ટુલરૂમ, શુક્ર ફાર્માસ્યુટિકલ, શ્રી કેપિટલ, પાર્ટી ક્રુઝર, રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જટાશંકર ઇન્ડસ્ટ્રીઝ, ઓએસીસ મેટલ જેવી કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વોલ્યુમ ઉભું કરી તેના ભાવ ઊંચા લઇ જઈ અને પછી તેનું વેચાણ કરવાનો ધંધો કરી રહ્યા છે.
સંયુક્ત ઓપરેશનમાં બપોરે અઢી વાગે 35 જેટલા અધિકારીની ટીમ આવિષ્કાર બિલ્ડીંગના ફ્લેટ નંબર 104 ઉપર પહોંચી ત્યારે ફ્લેટ બંધ હતો. ફ્લેટ ખોલવા માટે મેઘ શાહનો સંપર્ક નિરર્થક રહેતા, અધિકારીઓએ તેમના વકીલને બોલાવી, તેની પાસેથી ચાવી મંગાવી વિડિયોગ્રાફી સાથે દરોડાની કામગીરી પાર પાડી હતી. દરોડામાં 95 કિલોગ્રામ ગોલ્ડ બાર, મોટાપ્રમાણમાં સોનાના ઘરેણા મળ્યા હતા. તિજોરીમાં રોકડ હોવાની બાતમીના આધારે તેને ખોલવામાં આવી હતી અને તેમાંથી રૂ.10 કરોડથી વધુની રોકડ મળી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. વર્તમાન બજાર ભાવે જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત રૂ.100 કરોડથી વધારે થાય છે. આ રોકડ ગણવા માટે મશીનની વ્યવસ્થા કરવી પડી હતી જ્યારે સોનાના વજન, ખરાઈ માટે પણ ખાસ ટીમની મદદ લેવી પડી હતી.
નાણાં ગણવા માટે આઠ મશીન અને છ વજન કાંટા લાવવા પડ્યા
ડીઆરઆઈ અને એટીએસના અધિકારીઓએ જપ્ત કરેલી રોકડને ગણવા માટે આઠ જેટલા મશીન અને સોનાના દાગીના તેમજ ગોલ્ડ બારના ચોક્કસ વજનની માપણી કરવા માટે છ જેટલા વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા હતા. આમ, નાણાં ગણવાની તેમજ સોનાની ચોક્કસ કિંમત જાણવા માટેની કલાકો સુધી કામગીરી ચાલી.
ફ્લેટમાં શંકાસ્પદ લોકોની અવરજવર વધતા એટીએસ સક્રિય થઇ
મહેન્દ્ર શાહે કલ્યાણીબેન શેઠ નામની મહિલાનો ફ્લેટ છેલ્લાં ત્રણ વર્ષથી ભાડે રાખ્યો હતો. જો કે આ ફ્લેટમાં કોઇ રહેવા માટે આવ્યું નહોતુ. પરંતુ, અજાણ્યા લોકોની અવરજવર સતત રહેતી હતી અને રાતના સમયે આવતા વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હતી. જેથી સ્થાનિક લોકોને અગાઉથી શંકા હતી. ત્યારે આ અંગે કોઇએ ગુજરાત અઝજને માહિતી આપી હતી. જેના આધારે છેલ્લાં એક સપ્તાહથી રેકી કરવામાં આવી હતી. જેમાં ચોક્કસ માહિતી સામે આવતા જ સોમવારે દરોડો પાડવામાં આવ્યો હતો.
મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ
સુત્રોના જણાવ્યા મુજબ, મહેન્દ્ર શાહ શેરબજારમાં ઓપરેટરના ધંધાની આડમાં અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ડબ્બા ટ્રેડિંગનો અને બિલ્ડરોને નાણાં ધિરાણ કરવાનો ગેરકાયદે ધંધો કરતો હતો. તેની સાથે મેઘ શાહ પણ સક્રિય રહેતો હતો. એજન્સીના અધિકારીઓને સ્થળ પરથી કેટલીક એન્ટ્રી ધરાવતી બુક્સ મળી આવી છે. જેમાં તે કાળા નાણાં કાયદેસર કરવા માટે ચોક્કસ કમિશન પર પણ કામ કરતા હતા. ત્યારે તપાસમાં અનેક મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.