- ઔરંગઝેબની કબર હટાવવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું
- ટોળાને કાબુ કરવા પહોંચેલી ખાખી પર છુટ્ટા પથ્થરના ઘા કરાયા: હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે મહલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર હટાવવાના વિવાદ મામલે બે જૂથો સામસામે આવી ગયા હતા. થોડા સમય બાદ બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આગ ચાંપવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કુહાડીથી હુમલામાં ડી.સી.પી. નિકેતન કદમ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને 55થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદે સોમવારે નાગપુરના મહલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્દાબાદમાં ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ કરવામાં આવી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને હટાવ્યા બાદ થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે, ત્યાર બાદ કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના કારણે તણાવ વધુ વધી ગયો.
દરમિયાન કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પથ્થરમારામાં ચાર લોકો ઘાયલ થયા હતા. સમગ્ર મહલ વિસ્તારમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય પણ મહલ વિસ્તારમાં આવેલું છે. બીજી તરફ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, ’બે જેસીબીમાં આગ લાગી હતી અને કેટલાક અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આ હિંસામાં એક ફાયરમેન પણ ઘાયલ થયો છે.
બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્ય હતો. જેના કારણે મહલ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ, હુલ્લડ નિયંત્રણ પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળ તૈનાત છે. વિવિધ પોલીસ સ્ટેશનમાંથી વધારાના પોલીસ જવાનો પણ બોલાવવામાં આવ્યા છે.
નાગપુરના પોલીસ કમિશનર ડો. રવિન્દર સિંઘલે કહ્યું કે ” સ્થિતિ શાંતિપૂર્ણ છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઘટના રાત્રે 8 થી 8.30 વાગ્યાની આસપાસ બની હતી. બે વાહનોને આગ લગાડવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને તેમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. હાલ સુધીમાં 55 લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરેકને બિનજરૂરી બહાર ન નીકળવા અને કાયદો પોતાના હાથમાં ન લેવા માટે કહેવામાં આવ્યું છે અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે, આ વિસ્તાર સિવાય આખું શહેર શાંતિપૂર્ણ છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શાંતિ જાળવવા અપીલ
સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સ્થિતિમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપે. તેમણે કહ્યું, “તેઓ પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છે અને નાગરિકોએ તેમને સહકાર આપવો જોઈએ. આવી સ્થિતિમાં કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો અને પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપો.” પોલીસ પ્રશાસન સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
કુરાન સળગાવ્યાની અફવા હિંસા ભડકાવી
નાગપુરમાં થયેલ રમખાણનું હજુ સુધી સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ઔરંગઝેબના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું ઉપરાંત એવા પણ અહેવાલ છે કે, કથિત રીતે એવી વાતો વહેતી થઇ હતી કે માનવું વિરોધ પ્રદર્શન દરમિયાન કુરાન સળગાવવામાં આવી હતી જેના લીધે હિંસા ભડકી હતી.
ડીસીપી પર કુહાડી વડે હુમલો પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
મહલમાં અશાંતિ બાદ, સીઝ ઓપરેશનમાં ડેપ્યુટી પોલીસ કમિશનર નિકેતન કદમ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ પથ્થરમારાના શિકાર બન્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તાલાબ રોડ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર–વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.