- એરસ્ટ્રાઇકમાં 300થી વધુ ઘાયલ: લેબનન અને સીરિયામાં પણ બોમ્બમારો એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઇ હતી
ઈઝરાયલે સીઝફાયર તોડીને ફરી ગાઝાપટ્ટી પર હુમલા શરૂ કર્યા છે. જેમાં પેલેસ્ટાઈનના 100 વધુ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે આશરે એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઇ હતી. જોકે ઈઝરાયલે ફરી હુમલા કરતાં નાગરિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે આશરે 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. સોમવારે ઈઝરાયલની સેનાએ અચાનક જ ગાઝામાં એરસ્ટ્રાઈક શરૂ કરી. સ્થાનિક મીડિયા અહેવાલોના દાવા અનુસાર 100થી વધુના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત છે. ઈઝરાયલના વડાપ્રધાનના કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે અમેરિકાએ સંઘર્ષ વિરામ આગળ વધારવા માટે અમેરિકા તરફથી પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જે હમાસે અસ્વીકાર કર્યો હોવાથી અમારી સેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઈઝરાયલે અડધો જ કલાકમાં ગાઝા પર 35થી વધુ એરસ્ટ્રાઈક કરી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલ દ્વારા આપવામાં આવેલા બંધકોને મુક્ત કરવાની અથવા યુદ્ધવિરામ લંબાવવાની ઓફર સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ હમાસ સામે કડક કાર્યવાહી કરવાનો સૈન્યને આદેશ આપ્યો છે. ઇઝરાયલ, હવેથી, વધતી લશ્કરી તાકાત સાથે હમાસ સામે કાર્યવાહી કરશે, વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ ગાઝા પર શાસન કરતા હમાસે કહ્યું કે તે ઇઝરાયલના હુમલાઓને 19 જાન્યુઆરીથી શરૂ થયેલા યુદ્ધવિરામના એકપક્ષીય રદ તરીકે જુએ છે. હમાસે ધમકી આપી છે કે ઇઝરાયલના આ પગલાને કારણે તેના બંધકો જોખમમાં છે અને આ માટે ઇઝરાયલી સરકારને જવાબદાર ઠેરવી છે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરવાના છે. રશિયા અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. એવામાં હવે ઈઝરાયલની કાર્યવાહીના કારણે ટ્રમ્પ મિડલ-ઈસ્ટમાં શાંતિ માટે શું કરી રહ્યા છે તે અંગે પણ સવાલો ઊભા થશે.