- જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક કારખાનામાં થયેલી રૂપિયા પાંચ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
- પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની પોલિસ ટીમે ગણતરીના કલાકોમાં જ રૂપિયા પાંચ લાખની રોકડ સાથે એક તસ્કરને ઝડપી લીધો
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમેં ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે.
ચોરીના આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં શરુસેક્શન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કેલ્વિન મશીન ટૂલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઈ ભરતભાઈ મકવાણા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના કારખાનામાં હોળી- ધૂળેટીના તહેવારની રજા દરમિયાન પોતાના બંધ રહેલા કારખાના ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી.
જે બનાવ બાદ પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને અલગ અલગ સીસીટીવી કેમેરા વગેરેની મદદ લીધી હતી. અને ચોરીનો ભેદ ઉકેલી નાખી એક તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી જતો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ જીઆઇડીસી -૩ શિવ હોટલ પાસે પ્લોટ નંબર ૪૦૮૬ માં રહેતા દશરથસિંહ દેવીદયાલ જાટવ નામના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી એક કાળા કલરની બેગ કબજે કરી છે. જેની અંદરથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઉપરોક્ત તશ્કર રોકડ રકમ લઈને ભાગવાની પેરવી કરવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી