ભાવનગરથી બાંદ્રા જતી ટ્રેનનું જોરાવરનગર ખાતે સ્ટોપ રદ્દ કરી દેવાતા છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ત્યારે વિધાનસભા ચૂંટણી સમયે લોકોને કરાયેલા વાયદા મુજબ ધારાસભ્યે અથાગ પ્રયત્નો બાદ જોરાવરનગર ખાતે બાંદ્રા ટ્રેનને સ્ટોપ બાબતે રેલવે તંત્રે મંજૂરીની મહોર મારી છે.
જોરાવરનગર અને રતનપરની 70 હજારથી વધુની વસ્તીને મુંબઇ જવાની એકમાત્ર ટ્રેન ભાવનગર-બાંદ્રાની સુવિધા છીનવાતા લોકોમાં રોષ ફેલાયો હતો. જોરાવરનગરનું સ્ટોપ રદ્દ કરીને ગેટ સ્ટેશને આપી દેવાતા જોરાવરનગર રતનપર હીત રક્ષક સમિતિના નેજા હેઠળ રજૂઆતો, બંધ સહિત આંદોલનો થયા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી સમયે ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જોરાવરનગર રતનપરની પ્રજાને જોરાવરનગર ખાતે બાંદ્રા ટ્રેનને સ્ટોપ અપાવવાનો વાયદો કર્યો હતો. આથી સાંસદ દેવજીભાઇ ફતેપરા, શંકરભાઇ વેગડ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલની સતત રજૂઆત બાદ રેલવે મંત્રી પીયુષ ગોયલે જોરાવરનગર ખાતે ભાવનગર-બાંદ્રા ટ્રેનને સ્ટોપેજને સૈધ્ધાંતીક મંજૂરી આપી છે. આ અંગે ભાવનગર ડીઆરએમે જણાવ્યુ કે, આ અંગેનો પત્ર હજુ સુધી અમોને મળ્યો નથી. પત્ર આવ્યા બાદ જોરાવરનગર અને ગેટ સ્ટેશન બન્ને સ્થળે ટ્રેન ઉભી રહેશે કે કેમ તે અંગેનો ખ્યાલ આવશે.