જમ્મુ- કાશ્મીરમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સેના કેમ્પ પર આતંકી હુમલાની જાણકારી મળતા જ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, આર્મી કેમ્પની અંદર ગોળીબારનો અવાજ સાંભળી શકાતો હતો, જેના બાદ એરિયાની ઘેરાબંધી કરી દેવામાં આવી હતી. આર્મીએ પોતાનું સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
આ હુમલો જમ્મુ-કાશ્મીરના સુંઝવાન આર્મી કેમ્પ પર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સવારે 4.55 વાગ્યે અંધારાનો લાભ ઉઠાવી સેના કેમ્પ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલો કેમ્પના ફેમિલી ક્વાર્ટ્સ પર કરવામાં આવ્યો હતો.
જમ્મુના IG એસડી સિંહ જમવાલે જણાવ્યું હતું કે, ‘સવારે લગભગ 4 વાગીને 55 મિનિટ પર કેમ્પની અંદર સંતરીએ શંકાસ્પદ ગતિવિધિઓ જણાઈ હતી. સંતરીના બંકરથી ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો, જેના બાદ આર્મી દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.’
જો કે હાલમાં કેટલા આતંકીઓ છે, તેની જાણ થઈ શકી નથી. આતંકીઓ એક ફેમિલી ક્વાર્ટ્સમાં ઘૂસી ગયા છે.
આ આતંકી હુમલો ફિદાયીન હુમલો પણ હોઈ શકે છે. પરંતુ આતંકી સંગઠને હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી.