સાબરકાંઠાના આગીયોલ ગામે એક યુવકના હાથ બાંધી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા અને યુવક દંડો લઈ બેરહેમીથી માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. માનસિક અસ્વસ્થ યુવકના ઉંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવક દ્વારા માર મારી મંદિરમાં લઈ જઈ પુરી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. 15 માર્ચે સાંજે 6 વાગ્યે આ ઘટના બની હતી. નીતિશ કૌશિકકુમાર મહેતા નામનો યુવક માનસિક અસ્વસ્થતાને કારણે ઊંચા અવાજે બોલતો હતો. રમીલાબેન સુરેશભાઈ નાયીએ તેને ટોકતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ દરમિયાન મંદિરમાંથી બહાર આવેલા જયેશભાઇ મંગળદાસ મહેતાએ નીતિશને પકડ્યો હતો. તેના હાથ પાછળના ભાગે કપડાથી બાંધી દીધા હતા. ત્યાર બાદ રમીલાબેન અને જયેશભાઈએ લાકડાના દંડાથી નીતિશને બરડા, ડાબા હાથ અને શરીર પર માર મારી તેને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો. આ ઘટના અંગે નીતિશના પિતા કૌશિકકુમાર અંબાલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જયેશકુમાર મંગળદાસ મહેતા અને રમીલાબેન સુરેશભાઈ નાયી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જે અંગે નીતિશના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હિંમતનગરના આગીયોલ ગામે રામજી મંદિર પાસે 15 માર્ચને શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે કૌશિકકુમાર અંબાલાલ મહેતાનો પુત્ર નીતિશ કૌશિકકુમાર મહેતા કે જેની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તે ઊંચા અવાજે બોલતો હતો. જેથી રમીલાબેન નાયીએ નિતેશને કહ્યું કે, આ શું ધતિંગ આદર્યા છે. આ સારું લાગતું નથી. જેથી નિતીશને ગુસ્સો આવતાં તે જેમ-તેમ ગાળો બોલતો હતો. જેને લઈને રમીલાબેન અને નીતિશ વચ્ચે ઝઘડો થયો હતો.
તે સમયે રામજી મંદિર અંદરથી જયેશભાઇ મંગળદાસ મહેતા બહાર આવ્યા હતા. તેમણે નિતીશને પકડી કપડાથી તેના હાથ પાછળના ભાગે બાંધી દીધા હતા. જે બાદ રમીલાબેન અને જયેશભાઈએ નજીકમાંથી લાકડાના દંડા લઈને નિતીશને બરડાના ભાગે, ડાબા હાથે તથા શરીરના ભાગે માર માર્યો હતો. જે બાદ તેને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો.
અહેવાલ: સંજય દીક્ષીત