- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ મન મૂકીને હોળી રમ્યા
ભારતભરમાં હોળીના તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે, આવતીકાલે 13 માર્ચે સમગ્ર દેશમાં હોળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે, જોકે, આ પહેલા ગુજરાતમાં ધારાસભ્યોએ મનમુકીને હોળી રમી છે. આજે સવારે વિધાનસભા પરિસરમાં તમામ ધારાસભ્યોએ એકબીજા પર અબીલ-ગુલાલની છોળો ઉડાવીને રંગોત્સવની જબરદસ્ત રીતે ઉજવણી કરી હતી. રંગોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને આજે વિધાનસભાની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આજે નેતાઓનો રંગોત્સવ ઉજવાયો હતો. આજે વહેલી સવારથી જ ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધારાસભ્યો માટે ખાસ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેને લઈ વિધાનસભાની કાર્યવાહીના સમયમાં પણ ફેરફાર કરાયો હતો. નેતાજીના રંગોત્સવમાં તમામ ધારાસભ્યો એકબીજા પર અબીલ-ગુલાબ છોળો ઉડાડતા જોવા મળ્યા હતા, કેટલાક ધારાસભ્યો પીચકારીથી હોળી રમતા દેખાયા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના નેતાઓએ હોળી રમતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ધારાસભ્યો સાથે વિધાનસભા પરિસરમાં અબીલ-ગુલાબથી હોળી રમી હતી. ધારાસભ્યોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને કલર લગાવીને હોળી રમાડ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યો અને ઉપસ્થિત મહેમાનો સાથે રંગોનો તહેવાર ઉજવ્યો, એકબીજાને રંગ લગાવ્યા અને ઉજવણીનો આનંદ માણ્યો. આ પ્રસંગે સૌએ એકતા અને ભાઈચારા જળવાઈ રહે તેવો સંદેશો આપ્યો. રાજ્યમાં લોકો શાંતિ અને સુખ-સમૃદ્ધિ સાથે તહેવાર ઉજવે તેવી શુભેચ્છાઓ પણ આપી.