- શહેરની તમામ સરકારી કચેરીઓ ના દ્વારે ઝુંબેશ હાથ ધરી હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશનારા 44 થી વધુ વાહનચાલકો દંડાયા
જામનગર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુવિલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, તેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જામનગર શહેરની તમામ સરકારી કચેરી કે જેના મુખ્ય પ્રવેશ દ્વારે ટ્રાફિક શાખા ની અલગ અલગ ત્રણ ટુકડી ઉપરાંત શહેરના સીટી એ., બી., અને સી. સહિત ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ સાથેની ટુકડીઓને વિભાજીત કરીને વહેલી સવારે ૧૦.૦૦ વાગ્યાથી ફરજ પર મૂકી દેવામાં આવ્યા હતા, અને ટ્રાફિક ઝુંબેશ હાથ કરી હતી.
જામનગર મહાનગરપાલિકાની કચેરીના દ્વારે, તેમજ લાલ બંગલા પરિસર સેવાસદન -3 ના દ્વારે, જિલ્લા પંચાયત કચેરી, શરૂ સેક્શન રોડ પર આવેલી જિલ્લા કલેકટર કચેરી, અને જિલ્લા મહેસુલ ભવનની કચેરી ઉપરાંત ગુલાબ નગર રોડ પર સેવાસદન-4 ,સહિતની તમામ સરકારી કચેરીઓના દ્વારે અલગ અલગ પોલીસ ટીમોને બનાવીને ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ હતી.
સવારે દસ વાગ્યાથી બે કલાકના સમયગાળા દરમિયાન તમામ સરકારી કચેરીઓના દ્વારે હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ નારા 44 સરકારી કર્મચારીઓ દંડાયા હતા, અને તેઓ સામે ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસ કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહીને લઈને ટુ વ્હીલર વાહનચાલકો અને તેમાંય ખાસ કરીને સરકારી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશને લઈને અનેક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને કચેરીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.
અહેવાલ: સાગર સંઘાણી