- રાજ્યના 69 હજાર શિક્ષકો આજથી 458 કેન્દ્રો પરથી ઉત્તરવહી મૂલ્યાંકન કરશે: બોર્ડ દ્વારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
ગુજરાત બોર્ડની પરીક્ષા આ વર્ષે નિયત સમય કરતા મોડી શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓની આતુરતાના અંત સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન યોજાઈ હતી. હાલ બોર્ડ દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થતાં હાલ વિદ્યાર્થીઓની એક ચિંતાનો હાલ અંત આવ્યો છે. ત્યારે બીજી રીઝલ્ટની ચિંતા સામે ઉભી છે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષાઓ પૂર્ણ થતા પેપર મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે. થોડા જ સમયમાં વિદ્યાર્થીઓના પરિણામની ચિંતાનો પણ અંત આવશે.એપ્રિલના અંત સુધીમાં પરિણામ આવે તેવી હાલ ધારણા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. રાજ્યના 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે 69 હજાર કરતા વધુ શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ વખતે તમામ કેન્દ્રો પર એક સાથે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાના બદલે તબક્કાવાર કેન્દ્રો પર મૂલ્યાંકન કામગીરી શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે રાજ્યના 18 સેન્ટર પર મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. ધો.10માં સૌથી વધુ 32 હજાર કરતા વધુ શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીમાં જોડવામા આવ્યા છે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો અને 89 માઈનોર વિષય મળી કુલ 119 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 69284 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 214 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 35510 શિક્ષકો 9 મુખ્ય વિષયો અને 28 માઈનોર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે.ધો.12 સામાન્ય પ્રવાહમાં 175 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 25092 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. આ શિક્ષકો દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના 15 મુખ્ય વિષય અને 48 માઈનોર વિષય મળી કુલ 63 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. જ્યારે ધો.12 સાયન્સમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. જ્યાં રાજ્યના 8682 શિક્ષકો 6 મુખ્ય વિષય અને 13 માઈનોર વિષય મળી કુલ 19 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. બોર્ડ દ્વારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.