સમાજ સુરક્ષા વિભાગ મોરબી દ્વારા વિકલાંગો માટે યુનિક ડિસેબીલીટી આઇડેન્ટિટી કાર્ડ આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં ૭૦૦ કાર્ડ માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને ૫૫૦ કાર્ડ તૈયાર થઈ જતા વિકલાંગ લાભાર્થીઓને આ કાર્ડ આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને યુનિવર્સલ આઈ કાર્ડ આપવા માટેનો (યુ.ડી.આઈ.ડી.) યુનિવર્સલ આઈડી પર્સન્સ વીથ ડીસીબીલીટીઝ નામનો પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત દરેક કેટેગરી તેમજ દરેક ટકાવારીવાળા તમામ દિવ્યાંગ વ્યક્તિ ને સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઓનલાઈન પોર્ટલ પર (યુ.ડી.આઈ.ડી.) કાર્ડ નુ રજિસ્ટેશન કરી આપવામા આવછે. જેના દ્વારા આગળ તે કાર્ડ બનીને દિવ્યાંગ વ્યક્તિના ઘરે મોકલી આપવામાં આવશે.
હાલમાં મોરબી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ કામગીરી ઝુંબેશરૂપે ચાલી રહી છે અને કુલ ૭૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાયું છે જે પૈકી ૫૫૦ કાર્ડ તૈયાર થઈ જતા વિકલાંગોને ઘેર બેઠા આ કાર્ડ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં આ યુનિવર્સલ આઈડી કાર્ડ વહેલી તકે વિકલાંગોને મળે એ માટે કેમ્પરૂપે મોરબીમાં ૨૦ ફેબ્રુઆરી, ટંકારામાં ૧૫ ફેબ્રુઆરી અને હળવદમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ ખાસ કેમ્પ પણ કરવામાં આવનાર છે.
આ માટે દિવ્યાંગ વ્યક્તિએ (૧) ડો. સર્ટિફિકેટ-સિવિલ સર્જનનું દિવ્યાંગ પ્રમાણપત્ર ઓરીજનલ તેમજ ઝેરોક્ષ બન્ને, (૨) આધારકાર્ડ ઓરીજનલ તેમજ ઝેરોક્ષ બન્ને, (૩) એક પાસપોર્ટ સાઈજ નો ફોટો. સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં.૦૧, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, સો ઓરડી સામે-મોરબી-૨, ખાતે નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ઓરીજનલ કાગળો સ્કેન કરી સ્થળ પર પરત આપવામા આવશે.તેમજ રજિસ્ટેશન માટે વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિ એ રુબરૂ આવવાની જરૂર નથી, ઓરીજનલ કાગળો સાથે તેમના વાલી/સગા અથવા/મિત્રો પણ રજીસ્ટેશન કરાવી શકે છે. તેમ સમાજ સુરક્ષા અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.