- અંબાજી યાત્રાધામ ખાતે ટી.પી. સ્કીમ -1 અને 2 ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનના ગેરકાયદેસર દબાણ જ દૂર કરાયા
દેશના 51 શક્તિપીઠના હ્રદય અંબાજી યાત્રાધામના વિશ્વસ્તરીય વિકાસ માટે સરકારનો અડગ નિર્ધાર છે. તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યારસુધીમાં બે ટી.પી. સ્કીમ અમલી કરાઇ છે.અંબાજી મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની આશરે 6.07 હેકટરની નગર રચના યોજના નં. 1 (અંબાજી) વર્ષ -1983 થી અમલી છે.નગર રચના યોજના નં. 1 (અંબાજી) માં મુળખંડોની કિંમતની સામે ફાળવવામાં આવેલ અંતિમખંડોની કિંમતમાં આવતા તફાવત વળતર તરીકે આપવામાં આવ્યાં છે.
ટી.પી.-1 ની લાગુમાં 2.87 હેકટરની નગર રચના યોજના નં. 2 (અંબાજી) બનાવવામાં આવી અને વર્ષ – 1997 થી ટી.પી. સ્કીમ નં.-2 અમલી છે.
જેમાં કુલ 53 મુળખંડ તથા 74 અંતિમખંડો નો સમાવેશ થાય છે. ટી.પી. સ્કીમ – 1 તથા 2 ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનમાં દબાણ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શકિતપીઠોને જોડતા શકિત કોરીડોરમાં આવતી મોજે અંબાજી રે.સ.નં. 8 પૈકી વાળી સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા આ જમીનમાંથી લેન્ડ રેવન્યૂ કોડ, 1879ની કલમ-61 હેઠળ પ્રાંત અધિકારીશ્રી, દાંતા ધ્વારા દબાણ દૂર કરાયા છે.આ જમીનમાં કુલ 79 દબાણો (કાચા-પાક્કા) દૂર કરવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે, અંબાજી યાત્રાધામ ડેવલપમેન્ટ પ્રોજેકટ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત રૂ. 1191 કરોડના પ્રોજેક્ટથી વિસ્તૃત વિકાસ કરવામાં આવનાર છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવેલ વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું રક્ષણ પણ કરાશે. ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે.ચાચર ચોક અને ગબ્બર મંદિરનો વિકાસ અર્થે કલાત્મક શિલ્પ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેથી સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે. સાથોસાથ, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે. મંદિર પરિસરથી ગબ્બર ટેકરી સુધીનો પગપાળા જનાર યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે અને તેમને આરામ કરવા માટેના સ્થળો સ્પષ્ટ સાઇનબોર્ડ સાથે પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે.
દિવ્ય દર્શની ચોક નાં વિકાસ નાં ભાગરૂપે સુંદર ડિઝાઇન નાં લોકોના આમોદ પ્રમોદ માટે જગ્યાનાં વિકાસ કરવામાં આવશે, જેમાં બેઠક વ્યવસ્થા, હરિયાળી અને માહિતી માટેના કિઓસ્ક હશે. તેમાં સ્થાનિક વિક્રેતાઓ માટે જગ્યાઓ પણ સુનિશ્ચિત કરાશે.
સતી સરોવર અને સતી ઘાટને લેન્ડસ્કેપ બગીચાઓથી અને ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માત્ર ગુજરાત પર્યટન જ નહીં, પણ આવનારી પેઢીઓ માટે આધ્યાત્મિક સ્થળ તરીકે અંબાજીનું મહત્વ પણ વધશે