T.B. દશકાઓ પહેલા ખૂબ ઓછુ ભણેલા લોકો પણ આ અંગ્રેજી મૂળાક્ષરોનાં બે અક્ષરોનો અર્થ અને તેની અસરો વિશે જાણતા હતા. T.B.એ રાજોરોગ ગણાતો. T.B.થયેલો માણસ બસ આજકાલનો જ મહેમાન જ છે એવું માનવામાં આવતુ. જે વ્યક્તિને T.B. થયો હોય એ શારિરિક રીતે સાવ નિબળ અને દૂબણ થઇ જતો. ફેફ્સાને પ્રભાવિત કરતા આ રોગમાં કફ-પિતને કારણે વ્યક્તિ હંમેશા ખાંસતો રહેતો. T.B.નાં વિષાણું ઉધરસ ખાવાથી પણ વાતાવરણમાં પ્રસરે છે. એથી આવી વ્યક્તિને અસ્પૃશ્યમાની તેની સાથે નજીકનીં સગા પણ દૂરથી વ્યવહાર રાખતા. ખાતા પીતા ઘરની વ્યક્તિને પણ આ રોગ લાગૂ પડતો અને તેની સારવાર પ્રારંભીક તબક્કામાં ખૂબ જ મોંઘી છતા કાર્યક્ષમ ન હોવાને કારણે ગમે તેટલો ખર્ચ કરવા છતા વ્યક્તિનું મૃત્યુ નિશ્ર્ચિત મનાતુ. મોંઘા ઇલાજને કારણે રાજા-મહારાજા જ એની સારવારનો ખર્ચ અને પુરતા બેડ રેસ્ટ તથા ઉત્તમ ખોરાકથી જ રોગ મટવાની શક્યતા હોવાથી પણ T.B.ને રાજરોગ કહેવાતો.
સમયાંતરે T.B.ની સારવાર પધ્ધતિમાં સંશોધનો થયા અને T.B.ની અકસીર ઇલાજ પધ્ધતિ શોધાઇ. જેને કારણે T.B. ધીમે-ધીમે વિશ્ર્વમાંથી નાબૂદ થતો ગયો.
મોટા ભાગનાં કિસ્સાઓમાં શરુઆત લક્ષણોને પારખવાની પધ્ધતિ શોધાવાને કારણે રોગને ઉગતો જ ડામી દેવાની કાબેલીયત મેળવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી. આને કારણે અંતિમ સ્ટેજમાં પહોંચવા વાળા દર્દીઓની સંખ્યા નહીવત થવાથી T.B.નાં દર્દીઓનાં મૃત્યુદરમાં ખૂબ જ ઘટાડો થયો. આરોગ્ય ક્ષેત્રે T.B.ને બિલકુલ નેસ્તનાબૂદ કરવાનો આશાવાદ દ્રઢ બન્યો.
પણ હાલમાં ચાલી રહેલા એક અભ્યાસ અંતર્ગત એવી ચોંકાવનારી બાબત સામે આવી કે વિશ્ર્વમાં T.B.નાં દર્દીઓની સંખ્યામાં ધીમો પણ મક્કમગતિએ વધારો થઇ રહ્યો છે. સર્વેક્ષણ બાદ માલૂમ પડ્યુ કે વધતા જતા પ્રદૂષણને કારણે તેમજ ખાન-પાનની ખોટી પધ્ધતિને કારણે T.B.નવા સ્વરુપે માથુ ઉંચકી રહ્યો છે. સરકારી જાહેરાતોનાં એજન્ડામાંથી નાબૂદ થઇ ગયેલી T.B.અંગે સાવધાની રાખવાની સલાહ-સૂચન અને ચેતવણીનો સૂર પાછલા અમૂક વર્ષોથી શરુ થયેલી T.B.ની ઝૂંબેશમાં એવો સ્પષ્ટ વર્તાયે આપે છે કે T.B.ફરી માથુ ઉંચકી રહ્યો છે. ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ત્રાગડો ના રચાય એ માટે સરકાર મુસ્તેદ છે. આમ છતાં પ્રદૂષણમાં ઘટાડો અને જૂના વૃક્ષો ન કાપીને નવી વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા જેટલી જવાબદારી તો નાગરિકો જાતે જ ઉપાડવી રહી. પ્રદૂષણ મુક્ત વાતાવરણ પણ T.B.ને વધુ વકરતો અટકાવી શકે છે.