- લોકશાહીનું મહાપર્વ
- જુનાગઢ મહાપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની 32 સહિત રાજયની 68 નગરપાલિકાઓ માટે કાલે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન: મંગળવારે સવારથી મત ગણતરી
જુનાગઢ મહાનગર પાલિકા, સૌરાષ્ટ્ર-કચ્છની 68 નગરપાલિકાઓ અને ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની ચુંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. ગઇકાલે સાંજ પ્રચારના ભુંગળા શાંત થતાની સાથે જ હવે મતદારોના મનામણા કરવા રાજકીય પક્ષોના નેતા અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. આજે કતલની રાત છે. જીતવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવશે. કાલે સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે મંગળવારે સવારે એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ચુંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. જેથી મતદાર પોતાની વિવેક બુઘ્ધીના આધારે કોને મત આપવો તેનો નિર્ણય લઇ શકે ગઇકાલે સાંજે 6 વાગ્યાથી ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે પ્રચારના ભુંગળા શાંત થઇ ગયા છે. મતદાર સિવાયના વ્યકિતઓએ જે તે વિસ્તાર છોડી દીધા છે. આવતીકાલે સવારથી જુનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી જાફરાબાદ, રાજુલા, ચલાલા, સિહોર, ગારીયાધાર, તળાજા, ગઢડા, જસદણ, જેતપુર, નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, હળવદ, થાનગઢ, કુતિયાણા અને રાણાવાવ સહિત રાજયની 68 નગરપાલિકાઓ ઉપરાંત ગાંધીનગર, કઠલાલ અન કપડવેજ તાલુકા પંચાયત માટે મતદાન થશે.
સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ 213 બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો મેદાનમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14 (કુલ 8 બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 157 ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે.
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે.
મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે 101 ઉમેદવારો હરિફાઇમાં છે.
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા 5 ની બેઠક) બિનહરીફ થયેલ છે. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો હરિફાઇમાં છે.
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક (પંચમહાલ જિલ્લાની 29-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. 8 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 2ર ઉમેદવારો હરિફાઇમાં છે.
ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે.
જે મતદાન મથકો પર મતદાન થવાનું છે. તે પૈકી સંવેદનશીલ- અતિસંવેદનશીલ મતદાન મથકો છે તેવા મતદાન મથકો પર મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ-પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાન મથકોનો કબજો લઇ લેવામાં આવશે. આવતીકાલે સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવશે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. મંગળવારે બપોર સુધીમાં પરિણામો આવી જવાની સંભાવના છે.