- નર્તનવૃંદમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના 500 વિદ્યાર્થીઓ તેમની નૃત્યકલાનું કામણ પાથરશે: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો આપી માહિતી
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ એ રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે ટ્રસ્ટનાં પાયાનાં પથ્થર, આદ્ય સ્થાપક અને શિક્ષણ સેવા જગતનાં ’ગુરુ’ લાભુભાઈ ત્રિવેદી, રમેશભાઈ છાયા, જયંતિભાઈ કુંડલિયા, વિનોદભાઈ બુચ, અશ્વિનભાઈ મહેતાનાં દિવ્ય આર્શીવાદથી અને સંસ્થા હાલ મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી તથા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી અને ધીરૂભાઈ ધાબલિયાનાં નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવી રહ્યું છે. મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનો ધ્યેય મંત્ર છે ’આત્મ દીપો ભવ’ એટલે કે આપણે જ આપણો વિકાસ કરીએ. જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન દરેક વિદ્યાર્થીને અહીં આપવામાં આવે છે.
શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનાં આદ્ય સ્થાપક લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે નૃત્યોત્સવ “નૃત્ય સંગમ”નું આયોજન કરવામાં આવ્યું છે.
“નૃત્ય સંગમ – 205”
સ્વ. ગુરૂ લાભુભાઈ ત્રિવેદી સમર્થ આયોજક, દિગ્દર્શક, નિર્માણકર્તા અને પ્રવૃત્તિઓના સ્ત્રોત, તેમના પ્રેમાળ, સંવેદનાસભર વ્યક્તિત્વથી અસંખ્ય યુવાધન અને જાગૃત નાગરીકો જાહેરજીવનમાં સક્રિય થયેલા. તેનું એક સાંસ્કૃતિક ફોરમતુ ફુલ એટલે ’વસંતોત્સવ’. પાંચ દાયકાઓ પૂર્વેથી નર્તનસ્થ નૃત્યોત્સવને, ગુરૂ અને સાંસ્કૃતિક સમાજની કલાચેતનાને આજ દિન સુધી ટ્રસ્ટી ડો. અલ્પના ત્રિવેદી અને તેમની સશકત કલાપ્રિય ટીમ દ્વારા ઝળહળતો રખાયો છે. જ્યાં નવા કલાકારો જન્મે છે અને કલાપથની કેડી પર યશ અધિકાર પ્રાપ્ત કરી પ્રગતિના પંથે પ્રકાશે છે.
પ્રતિ વર્ષ યોજાતા નૃત્ય કાર્યક્રમની સફળતાનો યશ નામી-અનામી કલાકારોને જાય છે કે જેના થકી કલા-સાધનાનો એક અનોખો ઈતિહાસ બનતો જાય છે. મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને સાંસ્કૃતિક સમાજનું સદ્ભાગ્ય છે કે આ નૃત્યકલા પાત્રાને સ્થાનિક-રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ કલાગુરૂઓ, કવિઓ, સ્વર નિયોજકો અને સર્જકોનું માર્ગદર્શન અને સહકાર કાયમ મળ્યો છે, જેથી નૃત્યોત્સવ-નૃત્યસંગમ પ્રીતિકર બની ચૂકેલ છે.
સંસ્થાના બાલમંદિરના ભૂલકાઓથી શરૂ કરી કોલેજના દીકરા-દીકરીઓની આંતરિક કલાચેતનાને ઉજાગર
કરવાનો પ્રયાસ એટલે ’નૃત્ય સંગમ-2025’. સૌરાષ્ટ્રનાં લોકનૃત્યોથી લઈને ભારતના વિવિધ પ્રદેશના લોકનૃત્યોને સાથે સેમી કલાસીકલ કૃતિઓની રજૂઆત એટલે ’નૃત્ય સંગમ-2025’. આ નૃત્ય સંગમમાં માઁ સરસ્વતી સ્તુતિ વંદના છે, ને બેંગાલી નૃત્ય “ધુંનુંચી” પણ છે. ભારતીય ત્યોહાર આધારીત નૃત્યો છે, ને પુરુલિયા છાંઉનૃત્ય પણ છે. ગુર્જરી સુગમ નૃત્ય ખલાસી છે, ને સૂફી નૃત્ય પણ છે. ભારતીય ઉત્સવ નૃત્ય છે, ને થેય્યમ કાલીપટ્ટમ કેરાલા નૃત્ય પણ છે. ડાંગ પ્રદેશનું આદિવાસી નૃત્ય છે, ને ઓરીસ્સાનું લોકનૃત્ય સાંબલપુરી પણ છે. અરેબિયન ડાન્સ છે, તો વેસ્ર્ટન ડાન્સ પણ છે. પંજાબી લોકનૃત્ય ભાંગડા, મધ્યપ્રદેશનું લોકનૃત્ય બધાઈ છે, તો ઝારખંડનું લોકનૃત્ય “કરમા નાચ” પણ છે.
રંગબેરંગી વસ્ત્રો, પાત્ર અનુરૂપ સાજસજજા અને અઢળક પ્રોપર્ટીઝ સાથે આપણી પરંપરા, લોકજીવન અને સંસ્કૃતિનું અદલોઅદલ ચિત્ર આ નૃત્ય સંગમમાં રજૂ થશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટની 28 સંસ્થાઓના 500થી વધુ વિદ્યાર્થીઓ, નૃત્યોત્સવનાં મુખ્ય નિર્દેશિકા આંતર રાષ્ટ્રીય કલા સંસ્થા ’કંકણ’ ગ્રુપના સોનલબેન સાગઠીયા તથા તેઓનાં માર્ગદર્શન હેઠળ 22 જેટલા નૃત્યનિર્દેશક જેમાં મુખ્ય ફેમસ ફિલ્મ અને આલ્બમ સોંગનાં કોરીયોગ્રાફાર જયદીપ ટાટમિયા, જય ડાભી, ધનંજય પવાર, જીજ્ઞા વડગામા, સંદીપ ચૌહાણ તથા તમામ સંસ્થાના આચાર્ય તથા કો-ઓર્ડીનેટર્સ સતત દોઢ માસથી આ કાર્યક્રમની સફળતા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ બેનમૂન કાર્યક્રમ માત્ર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ તથા કલાપ્રેમી લોકો માટે એક અમૂલ્ય નજરાણું બની રહેશે. હીરાની પરખ કરીને, તેમને ચમક આપી અણમોલ બનાવવાની નેમ ડો. અલ્પનાબેન ત્રિવેદી એ લીધી છે અને તેમના વિચારને સંયોજક નૃત્યનિર્દેશક સોનલબેન સાગઠીયાએ સૂપેરે મૂર્તિમંત કર્યો છે. “નૃત્ય સંગમ-2025” રાજકોટનાં હેમુ ગઢવી નાટયગૃહમાં આગામી તારીખ 16 તથા 17 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેરનાં પ્રતિષ્ઠિત અગ્રણીઓ, રાજકીય આગેવાનો, આઈએએસ અધિકારીઓ, ધારાસભ્યની, મ્યુનિસિપલ કમિશ્નર , કલેકટર , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ , મેયરથી, વિવિધ બેંકનાં હોદ્દેદારો, વિવિધ શાળા કોલેજનાં સંચાલકઓ તથા પ્રિન્સીપાલઓ તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગુણીજનો તથા માનવંતા મહેમાનો બેક ટુ બેક સતત ત્રણ નૃત્યોત્સવ શોમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ગરિમા આપશે.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં ડો. યજ્ઞેશભાઈ જોેષી, ડો.અજીતાબેન જાની, ડો.શૈલેષભાઈ સોજીત્રા, ડો. નીલુબેન લાલચંદાણી, શ્રી તૃપ્તીબેન જોષી, શ્રી માલતીબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.