બાળકોમાં કૌશલ્ય શક્તિનો વિકાસ થાય અને તેઓને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ‘‘ઈન્સ્પાયર માનાક’’ પ્રદર્શની યોજવામાં આવે છે. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી પોતાના હુન્નર અને કૌશલ્યના દર્શન કરાવે છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓની પસંદગી જાપાન જવા માટે થઈ છે, જેમાં એક વલસાડ અને બીજા ભરૂચના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રિયાંશી કનુ થોરાટે રજૂ કરેલા ‘‘યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ’’ પ્રોજેક્ટે દિલ્હી ખાતે યોજાયેલા 11માં નેશનલ લેવલ એક્ઝિબિશન એન્ડ પ્રોજેક્ટ કોમ્પિટીશનમાં અદ્વિતીય સિધ્ધિ મેળવી વલસાડ અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતુ કર્યુ છે.
ધરમપુર તાલુકાના અંતરિયાળમાં આવેલા કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અને હાલમાં કપરાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં ધો. 9 માં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી પ્રિયાંશી થોરાટે મેળવેલી આ અજોડ સિધ્ધિએ સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. ત્યારે પોતાની આ સિધ્ધિ અને આ પ્રોજેકટનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે તેજસ્વી વિદ્યાર્થિની પ્રિયાંશી જણાવે છે કે, હું નિયમિત ન્યૂઝ પેપર વાંચુ છુ. એક દિવસ હું પેપર વાંચતી હતી ત્યારે મે વાંચ્યુ કે, વિશ્વભરમાંથી દર વર્ષે 350 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. જેનો નિકાલ કરવો હાલમાં પડકારજનક સમસ્યા છે. પ્લાસ્ટીક સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે અને પર્યાવરણમાં થતુ પ્રદૂષણ અટકાવી શકીએ તે માટે યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો. એટલે કે સફાઈના તમામ સાધનો માટે માત્ર એક જ હેન્ડલનો ઉપયોગ કરી શકાય.
આ વિચાર મારા વિજ્ઞાન શિક્ષક જતિનકુમાર એમ. પટેલને જણાવતા તેમણે મને યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ સાધન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ. દરેક ઘરમાં હાલમાં વપરાતા ફ્લોર વાઈપર, બ્રૂમ, બ્રશ અને ગ્રાસ બ્રૂમના હેન્ડલ પ્લાસ્ટીકના બનેલા હોય છે જે નાજુક હોય છે. જેના કારણે મોટાભાગે વળી જવાની અને તૂટી જવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત વિવિધ પ્રકારના સફાઈ સાધનોમાં વિવિધ પ્રકારના હેન્ડલ હોય છે. જો એક પ્રકારના ક્લિનિંગ ટૂલનું હેન્ડલ વળેલું કે તુટેલુ હોય તો અન્ય પ્રકારના ક્લિનિંગમાં ટૂલના હેન્ડલનો ઉપયોગ કરી શકાતો નથી. જેથી ક્લિનિંગ ટૂલ્સ માટે ખાસ ડિઝાઈન અને સ્ટેનલેસ સ્ટીલ પાઈપ સાથે માત્ર એક યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ બનાવવામાં આવે તો વર્તમાન સમયમાં ઉભી થતી તમામ સમસ્યા હલ થઈ શકે છે. સ્ટેનલેસ સ્ટીલ પાઈપનો ઉપયોગ યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ બનાવવા માટે થતો હોવાથી કાટ, ક્રેકિંગ કે ટ્વિસ્ટીંગની કોઈ સમસ્યા રહેતી નથી. ઘણા વર્ષો સુધી સાર્વત્રિક સફાઈ માટે આ સાધનનો ઉપયોગ તમામ પ્રકારની સફાઈ માટે કરી શકાય છે. જેથી દર મહિને કે છ મહિને થતા પ્લાસ્ટીક વેસ્ટથી પર્યાવરણને બચાવી શકાય છે.