એક સમય હતો કે ગુજરાતી ફિલ્મો સિલ્વર જ્યુબિલી કે ગોલ્ડન જ્યુબિલી ઉજવતી. જય સંતોષીમાં ફિલ્મે એ સમયે હિન્દી ફિલ્મોને પણ વિચારતા કરી દ્યે એવી કમાણી કરી હતી. પાતળી પરમાર, સોનકંસારી, ઢોલા મારુ, ભાદર તારા વહેતા પાણી, પંખીનો માળો, શીતલને કાંઠે, માં-બાપ જેવી ગુજરાતી ફિલ્મોની ટીકીટનાં કાળા બજાર થતા. ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, મંજરી દેસાઇ, અસ્ત્રટાની, જેવા સ્ટારની બોલબાલા હતી. ત્યાર બાદ નરેશ કનોડીયાનો જમાનો આવ્યો પણ ગુજરાતી ફિલ્મ તેની બિલાઢાળ, રજૂઆત અને ઘીસાપીટા ડાયલોગ તેમજ લોકગીતો અને ગરબાની ધૂનોમાંથી બહાર ન આવ્યું. હિન્દી ફિલ્મો ટેકનિકની દ્રષ્ટિએ રજૂઆતની દ્રષ્ટિએ ક્યાંય આગળ નીકળી ગઇ. જ્યારે ગુજરાતી ફિલ્મો દર્શકોના મનોજગતમાંથી નીકળી ગઇ. ઘણાં લાંબા સમયનાં શૂન્યાવકાશ બાદ નવા અને યુવા દિગ્દર્શકોનો ફાલ ગુજરાતી ફિલ્મ જગતમાં આવ્યો.
છેલ્લો દિવસ નામની પહેલી એવી ગુજરાતી ફિલ્મ રજૂ થઇ જેનાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગો રાખમાંથી બેઠા થવાની આશા જગાવી. ધડાધડ નવી ધરેડ પ્રમાણેની ફિલ્મોનો ફાલ શરુ થયો. વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા મુંબઇમાં વર્ષોથી નાટ્ય જગતમાં સંઘર્ષ કરતા ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ બનાવવાની દોડમાં સામેલ થવા ગુજરાત તરફ દોડ્યા.
સરળવાળે આરંભે જન્માવેલી આશા ગુજરાતીઓ માટે કહેવાયેલી કહેવત ‘આરંભે શૂરા’ જેવી સાબિત થવાનાં સંદેશો વર્તાઇ રહ્યો છે. મલ્ટીપ્લેક્સમાં રજૂ થતી ગુજરાતી ફિલ્મો બીજા દિવસથી નિર્માતા માટે દુ:સ્વપ્ન સમાન સાબિત થવાનું પ્રમાણ વધતુ જાય છે.
નિર્માતાએ મલ્ટીપ્લેક્સમાં પોતાની ફિલ્મ કમસેકમ એક અઠવાડીયુ ચલાવવા પોતે જ ટીકીટ ખરીદવા મજબૂર થવું પડે તેવો સિનારીયો શરુ થઇ ગયો છે.
ગુજરાત સરકારનાં નિયમ પ્રમાણે દરેક મલ્ટિપ્લેક્સવાળાએ દર અઠવાડીએ સ્ક્રિન દીડ બે શો દર્શાવવા ફરજીયાત છે. આ નિયમો મલ્ટિપ્લેક્સવાળાને ભરાઇ પડ્યા જેવા લાગ્યા.
એટલે સરકાર સામે મલ્ટિપ્લેક્સનાં માલિકોએ અમે બિચારા કહીને ખોળો પાથર્યો. અને પુરા વર્ષ દરમિયાન મલ્ટિપ્લેક્સવાળાઓએ કુલ મળીને ૪૯ ગુજરાતી શો તો દર્શાવવાના જ.
આમ છતાં હવે ગુજરાતી ફિલ્મોને દર્શકો મેળવવામાં જોવાના પાણી મોભી ચડે છે. જેથી મલ્ટિપ્લેક્સનાં માલિકો અને ડિસ્ટ્રીબ્યુટરો નિર્માતાને શો દીઠ અમુક ટીકીટો ખરીદવા મજબૂર કરી રહ્યાં છે. ના છૂટકે એક મલ્ટિપ્લેક્સ દીઠ નિર્માતાએ ૨૫/૩૦ ટીકીટો ખરીદવી પડે છે. પુરા ગુજરાતનાં મલ્ટિપ્લેક્સનો તાળો મેળવતા આ રકમ રોજની લાખ રુપિયા થાય આમ આઠ દિવસનો બોનસ ખર્ચ પરચીસેક લાખે પહોંચે હવે આમા ગુજરાતી ફિલ્મો બનતી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવો વધુ પડતો છે.