- નેજા ગામે આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.100 કરોડના રો-મટીરીયલ સહિતનો જથ્થો કબ્જે
- યુપીનો સપ્લાયર રો-મટીરીયલ મોકલતો હોવાનો ખુલાસો: આલ્ફાઝોરમ ટેબ્લેટ આફ્રિકા મોકલવાનું હતું
- ફેક્ટરી માલિક સહીત અમદાવાદ, આણંદના છ શખ્સોની ધરપકડ
ગુજરાત એટીએસની ટીમે આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં દરોડો પાડી રૂ. 100 કરોડનો ડ્રગ્સ, રો મટીરીયલ સહિતનો જથ્થો કબ્જે કર્યો છે. એટીએસના દરોડામાં અમદાવાદ, આણંદના કુલ છ શખ્સોંની ધરપકડ કરવામાં આવી છે જયારે યુપીના સપ્લાયરનું પણ નામ ખુલવા પામ્યું છે. દરોડા બાદ આરોપીઓની ધરપકડમાં ખુલાસો થવા પામ્યો છે કે, ફેક્ટરીમાં આલ્ફાઝોરમ નામની ઘેની ટેબ્લેટ બનાવી ક્ધસાઇમેન્ટ સાઉથ આફ્રિકા મોકલવાનું હતું.
દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતના નેજા ખાતેથી એટીએસ દ્વારા મેડિસિન બનાવતી ફેકટરીમાં દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ ફેકટરીમાં આલ્ફાઝોરમ નામની ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા આ ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી રૂ.100 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.
ડ્રગ્સ ફેક્ટરીના તાર ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા છે. યુપીનો સપ્લાયર રો મટીરીયલ મોકલતો હોવાનો ખુલાસો થયાનો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે જેના ઉત્તર ભારતમાં પણ તપાસ ચાલુ છે. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો.
એટીએસની ટીમે દરોડા દરમિયાન ફેક્ટરી માલિક સહીત અમદાવાદ અને આંણદના છ શખ્સોંની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે. ફેક્ટરી માલિકે અંદાજિત ત્રણ માસ પૂર્વે ગોડાઉન ભાડે રાખીને ફેક્ટરી શરૂ કરી હતી. યુપીનો સપ્લાયર રો મટીરીયલ સપ્લાય કરતો હતો અને ઘેની ટેબ્લેટ બનાવી સાઉથ આફ્રિકા મોકલવાનો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, ગુજરાતના દરીયાકાંઠા સહિતના વિસ્તારોનો ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય અને ગત વર્ષમાં રૂ. 7 હજાર કરોડનો ડ્રગ્સ ઝડપાયો હતો. ત્યારે આ દરોડામાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય કરવાનું મસમોટું રેકેટ ઝડપાયું છે.