ટેલીકોમ સેકટરને સરકારનો રૂપીયા ૧૦૦૦૦ કરોડનો બૂસ્ટર ડોઝ
આનંદો… ટેલીકોમ સેકટરમાં ૪ લાખ નવી નોકરીઓનું નિર્માણ થશે. ટેલીકોમ મંત્રી મનોજ સિંહાએ એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરવા દરમિયાન જણાવ્યું હતુ કે આવતા ૫ વર્ષમાં ટેલીકોમ ફિલ્ડમાં ૪ લાખ નવી નોકરીઓની તકો ઉભી થવાની ઉજળી આશા છે. યુનિયન બજેટ ૨૦૧૮માં પણ ઈન્ડીયન ટેલીકોમ સેકટરનાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે સારી એવી રકમની જોગવાઈ કરવામાં આવશે જેના પગલે નવી નોકરીઓનું સર્જન થશે. સરકારે ટેલીકોમ સેકટરને રૂપીયા ૧૦૦૦૦ કરોડનો બુસ્ટર ડોઝ આપ્યો છે.
મંત્રી સિંહાએ આગળ જણાવ્યું હતુ કે માર્ચ ૨૦૧૯ સુધીમાં દેશમાં ૪ લાખ કિલોમીટરમાં ઓએફસી અર્થાત ઓપ્ટીકલ ફાઈબર કેબલ બિછાવવામાં આવશે જેના થકી ૧.૫૦ લાખ ગ્રામ પંચાયતોને વાઈફાઈ નેટવર્કથી કનેકટ કરી શકાશે આ એક ખૂબ મોટી ઉપલબ્ધી ટેલીકોમ સેકટરની હશે આસિવાય છેવાડાના ઉત્તર પૂર્વી રાજયો, આંદામાન અને નિકોબાર ટાપુ તેમજ લક્ષદીપ ટાપુઓને અન્ડર સી કેબલથી પૂરતું નેટવર્ક અપાશે.
સરકારનાં ભારત નેટ પ્રોજેકટને પ્રથમ તબકકામાં સફળતા મળી હોવાનો દાવો મંત્રી સિંહાએ કર્યો છે. પ્રોજેકટનો બીજો તબકકો માર્ચ ૨૦૧૯માં પૂરો થશે. ગામડાઓને બ્રોડબેન્ડ નેટવર્ક અને ૫ લાખ વાયફાય હોટસ્પોટ આપવાનાં લક્ષ્યાંક પૂરો કરવા તરફ પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે. તેમ અંતમાં તેમણે જણાવ્યું હતુ.