- ત્રણ વન ડેની શ્રેણીમાં 310 રન ફટકારનાર ભારતીય ઓપનર પ્રતિકા રાવલ પ્લેયર ઓફથી સિરીઝ જાહેર
- અંતિમ વનડેમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 304 રને પરાજય આપી સૌથી મોટો વિજય મેળવ્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિરાંગનાઓએ રાજકોટમાં નવા કિર્તીમાનોની હારમાળા સર્જી આયલેંન્ડની ટીમને કિલન સ્વીપ કરી છે. ત્રણ વન ડે મેચની શ્રેણીનાં ત્રીજા અને અંતિમ વનડેમાં આયલેન્ડની ટીમને 304 રને પરાજય આપી સૌથી મોટા માર્જીનથી ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. ત્રણ મેચમાં 310 રન ફટકારનાર પ્રતિકા રાવલને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવી હતી. વિજેતા ટીમ પર દેશભરમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય ટીમના સુકાની સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર પ્રતિકા રાવલના 129 બોલમાં 20 ચોગ્ગા અને એક સિકસરની મદદથી 154 રન અને સુકાની મંધાનાએ 80 બોલમાં 12 ચોગ્ગા અને સાત સિકસરની મદદથી ફટકારેલા 135 રન જયારે રિચા ઘોશના 59 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટનાં ભોગે રેકોર્ડ બ્રેક 435 રનનો તોતીંગ જૂમલો ખડકયો હતો. 436 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી આયર્લેન્ડની ટીમ માત્ર 31.4 ઓવરમાં 131 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા ટીમનો ત્રીજી વનડેમાં 304 રને શાનદાર વિજય થયો હતો. ભારત વતી દિપ્તી શર્માએ ત્રણ વિકેટ મેળવી હતી. જયારે તનુજા કંવર બે વિકેટ અને તીતાસ સાધુ, સપાલી સાતઘરે અને મીનુ મણીએ એક એક વિકેટ ખેડવી હતી.ત્રણ વનડેની શ્રેણીમાં 310 રન ફટકારનાર ભારતીય મહિલા ઓપનર પ્રતિકા રાવલને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવી હતી. જેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.