- અમદાવાદ, મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન એરપોર્ટ ખાતે મુસાફરોને
- ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહેવામાંથી છૂટકારો મળશે
હવેથી સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ એરપોર્ટ ખાતે ભારત સરકાર દ્વારા શરૂ થયેલા ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન કર્યું છે.
હાલ મરજિયાત રીતે શરૂ કરાયેલી ડીજી યાત્રા એપની જેમ જ આ પ્રોગ્રામ હેઠળ વારંવાર અથવા તો ક્યારેક વિદેશ જતાં અને ઓસીઆઇ કાર્ડ ધારકો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન માટેના પોર્ટલ પર પોતાની વિગતોની નોંધણી કરાવી હશે એમણે એરપોર્ટ પર મોબાઇલથી જ ઇ ગેટ પર સ્કેન કરી પાસપોર્ટ સ્કેન કરી સિક્યોરિટી ક્લિયરન્સ માટે જઇ શકશે. એટલે કે ઇમિગ્રેશન માટેની લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે.
આ સુવિધા હાલ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ થ્રી પર ઉપલબ્ધ છે અને આજથી અમદાવાદ ઉપરાંત મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન એરપોર્ટ ખાતે શરૂ થશે. અમેરિકા સહિતના વિકસિત દેશોમાં આવી સુવિધા છે એવી સુવિધા ભારતના એરપોર્ટ ખાતે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ કાર્ડ ધારકોને નિ:શૂલ્ક મળશે.
આ માટે મુસાફરોએ ઓનલાઈન પોર્ટલમાં નોંધણી કરાવવી પડશે. જેના માટે, મુસાફરોએ તેમની વિગતો ભરીને અને પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવી પડશે. નોંધાયેલા અરજદારોનો બાયોમેટ્રિક ડેટા ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ પર અથવા એરપોર્ટ પરથી પસાર થતી વખતે કેપ્ચર કરાશે. નોંધાયેલા મુસાફરોએ ઈ-ગેટ પર એરલાઈન દ્વારા જારી કરાયેલ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે, ત્યારબાદ તેમનો પાસપોર્ટ સ્કેન કરવાનો રહેશે. આગમન અને પ્રસ્થાન બંને સ્થાનો પર, મુસાફરના બાયોમેટ્રિક્સ ઈ-ગેટ પર પ્રમાણિત કરવામાં આવશે. એકવાર આ પ્રમાણીકરણ સફળ થઈ જાય, પછી ઈ-ગેટ આપમેળે ખુલશે અને ઈમિગ્રેશન ક્લિયરન્સ મંજૂર માનવામાં આવશે.