- રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખનો તાજ દિપ્તીબેન સોલંકીના શીરે
- સ્થાનિક સ્વરાજયની ચૂંંટણી પૂર્વે રાજયના સંગઠન માળખુ મજબૂત કરતી કોંગ્રેસ
કોંગ્રેસના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અલ્કા લાંબાએ આજે ગુજરાતના અલગ-અલગ 10 જિલ્લાઓના મહિલા કોંગ્રેસના પ્રમુખની વરણી કરી છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા તરીકે દિપ્તીબેન એચ.સોલંકીની નિયુક્તી કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ તરીકે જીલ જયશ્રી શાહની, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાધાસિંહ ચૌધરી, પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જયાબેન ઠાકોર, ખેડા જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષા તરીકે સુધાબેન ચૌહાણ, થરાદ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ તરીકે ગીતાબેન પરમાર, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ડો.મેઘા પટેલ, ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે દર્શનાબેન જોષી, તાપી જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ટીનાબેન ચૌધરી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે દિપ્તીબેન સોલંકી અને સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નીતુબેન રાજપૂતની વરણી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સંગઠન માળખું મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા કમ્મર કસવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ પ્રદેશનાં શહેર તથા જિલ્લા પ્રમુખની વરણી પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ ગુજરાતમાં મહિલા કોંગ્રેસ પ્રમુખે જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખના નામ જાહેર કરવાના બદલે દિલ્હીથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લા શહેર સહિત રાજયના 10 જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામા આવી છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો નવો સંચાર થયો છે. પરંતુ સ્થાનિક નેતાઓને કાર્યકરોનાં ઉત્સાહનો લાભ લેતા આવડતું ન હોય તેવું લાગી રહ્યું છે. રાજયમાં નબળા સંગઠન માળખાનાં કારણે કોંગ્રેસને ચૂંટણીમાં ધારી સફળતા મળતી નથી નેતાઓ જૂથવાદમાં આળોટયા કરે છે. જેના કારણે પક્ષની હાલત સતત કથળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાની બેઠક ફતેહ કર્યા બાદ હવે કોંગ્રેસે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી પૂર્વ સંગઠન માળખા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે તમામ રાજકીય પક્ષો મહિલાઓને હોદાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં હજી કેટલાક જિલ્લા કે શહેરો માટે પ્રમુખ સહિતના હોદેદારોના નામની ઘોષણા કરવામાં આવી શકે છે.