- ઓપનર પ્રતિકા રાવલે 154 રન અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 135 રન ફટકાર્યા
- 48 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારી ભારતીય મહિલા ટીમે ખંઢેરીમાં આતશબાજી સર્જી દેતા પ્રેક્ષકોને મોજ પડી ગઇ
- પ્રથમ વિકેટ માટે રેકોર્ડબ્રેક 233 રનની ભાગીદારી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઇ રહેલી ત્રણ વન-ડેની સિરીઝના ત્રીજા અને અંતિમ વન-ડેમાં આજે ભારતીય મહિલા ટીમે ખંઢેરીમાં રનોનું રમખાણ સર્જી દીધું હતું. રેકોર્ડબ્રેક 435 રનનો જુમલો ખડકી દીધો હતો. રાજકોટમાં રમાયેલા તમામ ઇન્ટરનેશનલ વન-ડે મેચનો આ સાર્વાધિક સ્કોર છે. ઓપનર પ્રતિકા રાવલે 154 રન અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 135 રન ફટકાર્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 233 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાઇ હતી. પ્રથમ દાવમાં 48 ચોગ્ગા અને 9 છગ્ગા લાગ્યા હતા. અગાઉ જ વન-ડે શ્રેણી જીતી ચુકેલી ભારતીય ટીમ આયર્લેન્ડની ક્લીન સ્વીપ કરે તે ફાઇનલ બની ગયું છે.
આજે ત્રીજા વન-ડેમાં ભારતીય મહિલા ટીમના સુકાની સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાના વચ્ચે પ્રથમ વિકેટ માટે 26.4 ઓવરમાં 233 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ નોંધાઇ હતી. સુકાની મંધાનાએ 80 બોલમાં 12 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી 135 રન ફટકાર્યા હતા. તેને તમામ આયર્લેન્ડ બોલરોની બરાબર ખબર લીધી હતી. જો કે, તેની વિકેટ ધરાશાયી થયા બાદ પ્રતિકા રાવલે બાજી સંભાળી લીધી હતી. તેને 129 બોલમાં 20 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 154 રન ફટકાર્યા હતા. રાજકોટમાં આજ સુધી રમાયેલા પુરૂષ કે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેના આંતરરાષ્ટ્રીય વન-ડેનો આ સાર્વધિક વ્યક્તિગત સ્કોર છે. વનડાઉન બેટર રિચા ઘોષે પણ આયર્લેન્ડના બોલરોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. તેણીએ 42 બોલમાં 59 રન ફટકાર્યા હતા. પ્રતિકા અને રિચા વચ્ચે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાઇ હતી. ભારતની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 435 રનનો તોતીંગ જુમલો ખડક્યો હતો. જે એક રેકોર્ડ છે. આજ સુધી રાજકોટમાં રમાયેલા તમામ ઇન્ટરનેશનલ વન-ડે મેચનો આ સૌથી મોટો સ્કોર છે. બેસ્ટમેનો માટે સ્વર્ગસમી મનાતી નિરંજન શાહ સ્ટેડિયમની વિકેટ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટરોએ રનની આતશબાજી કરી હતી. આયર્લેન્ડના તમામ બોલરોની બેફામ ધોલાઇ કરી હતી.
અગાઉ બે વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતીય મહિલા ટીમે ત્રણ વન-ડે મેચની શ્રેણી ફતેહ કરી લીધી છે. આજની વન-ડે જીતી ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડને ક્લીન સ્વીપ કરવાના બુલંદ ઇરાદા સાથે બીજા દાવમાં ફિલ્ડીંગમાં ઉતરશે.