- 392.95 ગ્રામ હેરોઇન લઈને નિકળેલા પરાબજારના પેડલર ફેઝલ અને રાજસ્થાનના ખેપિયા રાજમલને દબોચી લેતી શહેર એસઓજી ટીમ
રાજકોટ શહેર એસઓજી ટીમે કુવાડવા રોડ પરથી રૂ. 18.14 લાખના 392.95 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે પરાબજારના પેડલર ફેઝલ ચૌહાણ અને રાજસ્થાનના ખેપિયા રાજમલ મિણાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એકવાર હેરોઇનનો જથ્થો લાવી વેંચી ચુક્યાનો ખુલાસો થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ગોહિલને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ પર ડી માર્ટ મોલથી આગળ મેલડી માંનીમોજ ઓટો ગેરેજ પાસેથી જાહેર રોડ પરથી હેરોઇનના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
એસઓજી ટીમે રૂ. 18,14,750ની કિંમતનો 392.95 ગ્રામ હેરોઇન, ત્રણ મોબાઈલ, રોકડ સહીત રૂ. 18,28,250ના મુદ્દામાલ સાથે રાજકોટના પરાબજાર વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નંબર 1/2ના ખૂણે રહેતા ફેજલ યુસુફભાઇ ચૌહાણ (ઉ.વ.25) અને રાજમલ રકમા મિણા (ઉ.વ.23 રહે. બોરીગામ, પંચાયત કેશરપુરા, શિવાંગપુરા, પ્રતાપગઢ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજમલ અગાઉ પણ 100 ગ્રામ હેરોઇનનો જથ્થો ફેજલને આપી ગયો હતો જેનું વેચાણ થઇ જતાં વધુ એકવાર રાજમલ 392.95 હેરોઇનની ખેપ મારીને આવ્યો હતો. રાજમલ પોતે ફક્ત ખેપિયો હોવાનું અને રાજસ્થાનથી અન્ય એક શખ્સ માદક પદાર્થનો જથ્થો મોકલતો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેજલ ખાટકીવાસમા મટનની દુકાન ધરાવે છે. આ કામગીરીમા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા, પીએસઆઈ આર જે કામળિયા, એએસઆઈ વીરેન્દ્રસિંહ ઝાલા, સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અરુણભાઈ બાંભણીયા, કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ વાલા, રવિભાઈ ઘગલઝં અમિતભાઈ ટુંડીયા તેમજ ડ્રાયવર એએસઆઈ કૃષ્ણસિંહ જાડેજા રોકાયાં હતા.