- મહાકુંભ એટલે સાધુ, સમાજ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો આ વર્ષે પ્રયાગનાં ત્રિવેણી સંગમ સ્થાને યોજાઈ રહ્યો છે.મહાકુંભનો પ્રારંભ 13 જાન્યુઆરીએ થયો અને સમાપ્ત 26 ફેબ્રુઆરીએ થશે.45 દિવસના આ મહાકુંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે એવી ધારણા છે. કુંભ કોઈ સામાન્ય મેળો નથી,પરંતુ ધર્મ, વિજ્ઞાન અને આસ્થા સાથે ઉજવાતો ધાર્મિકોત્સવ છે.તેમાં મુખ્ય ભૂમિકા અખાડાની છે. કુલ તેર અખાડા છે.રાષ્ટ્ર અને ધર્મ ઉપર જ્યારે પણ સંકટ આવે ત્યારે તેની રક્ષા માટે અખાડાના સાધુ સંતો અસ્ત્ર, શસ્ત્ર અને વિદ્યા વડે પ્રતિકાર કરે છે. આદિ શંકરાચાર્યજીએ સાત અખાડા સ્થાપી ત્રણ વર્ગમાં વર્ગીકૃત કર્યા. તેના નામ નિર્વાણ અની, દિગંબર અની અને નિર્મળ અની છે.તેર અખાડા સાથે 45 લાખ સાધુ સંતો જોડાયા હોવાની ધારણા છે. દર બાર વર્ષે યોજાતા કુંભમેળા સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમાયેલો છે.
પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્રમંથનમાંથી નીકળેલા અમૃત કુંભ પર હક્ક જમાવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે દાનવો અમૃત પીને અમર થઈ જવા માંગતા હતા. દેવતાઓ એવું ઈચ્છતા નહોતા. આથી ગરુડજી આ અમૃત કુંભ લઈને ભાગ્યા. દાનવો તેની પાછળ પડ્યા. આ ઝપાઝપી દરમિયાન ચાર વખત કુંભ પડી ગયો જે ચાર સ્થાન પર કુંભ પડી ગયો તે ચાર સ્થાન હતાં; હરિદ્વાર, પ્રયાગ,ઉજ્જૈન અને નાસિક. અમૃત કુંભ જે સ્થાન પર પડ્યો ત્યાં અમૃતના અમુક ટીપાં પડ્યાં. આથી તે ભૂમિનું વિશેષ મહત્ત્વ ઊભું થયું. કહેવાય છે કે આ યુદ્ધ બાર દિવસ ચાલ્યું હતું. દેવ દાનવોના એ બાર દિવસ પૃથ્વીવાસીનાં બાર વર્ષ ગણાય છે.તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન આ ચાર સ્થાન પર થાય છે. આ મેળાને કુંભ મેળો કહેવામાં આવે છે. કુંભ મેળો એ હિંદુ ધર્મમાં સૌથી મોટો આધ્યાત્મિક મહોત્સવ ગણાય છે. તેની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તથ્યો પણ છે.
કુંભનો સમય નક્કી કરવા માટે ગુરુ, સૂર્ય, અને ચંદ્રની આકાશીય સ્થિતિ ધ્યાનમાં લેવાય છે.તેમાં સૌથી મહત્વનો ઘટક ગ્રહ ગુરુ છે. ગુરુનો સૂર્ય આસપાસ ભ્રમણનો સમય લગભગ બાર વર્ષ છે. જે મહા કુંભની ઘટનામાં મહત્વનો ભાગ ભજવે છે. આ અર્થમાં ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે પ્રયાગમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાન ત્રિવેણીના કાંઠે કુંભ મેળો ભરાય છે. આવી જ રીતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે ત્યારે કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કાંઠે ભરાય છે. જ્યારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે કુંભ મેળો ભરાય છે.જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે ભરાય છે.
આમ કુંભ મેળો અન્ય મેળા જેવો મેળો નથી. તે ખગોળશાસ્ત્ર સાથે ચુસ્ત પણે જોડાયેલો છે.તે પૌરાણિક કથા સાથે પણ જોડાયેલો છે.તે ભારતની પવિત્ર નદીઓ સાથે પણ જોડાયેલો છે. ગુરુ બાર વર્ષમાં રાશિ ચક્ર પૂરું કરે છે. તેથી ઉપરોક્ત દરેક સ્થળે 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. સૂર્ય એક વર્ષમાં રાશિ ચક્ર પૂરું કરે છે, અર્થાત્ એક રાશિમાં એક મહિનો રહે છે. ઉપરોક્ત ચાર સ્થાનમાંથી બે સ્થાનો હરિદ્વાર અને પ્રયાગમાં અર્ધ કુંભ મેળો પણ ભરાય છે. મહાકુંભ મેળા પછી બરાબર છ વર્ષે અર્ધ કુંભ મેળો ભરાય છે.
આમ ખગોળીય અને ગ્રહ ચક્ર આધારિત કુંભ મેળો યોજાતો હોય આ સમયગાળામાં ગ્રહોના સંયોજન સંદર્ભે એવું માનવામાં આવે છે કે તે આધ્યાત્મિક ચેતનાને તેજ આપે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગ્રહોની આ સ્થિતિ અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારો શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર કરી શકે છે. લાખો લોકો એકત્ર થતાં હોવાથી તેઓની માનસિક શક્તિ એકીકૃત થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આટલા મોટા સમૂહની ઊર્જા માનસ શક્તિમાં વધારો કરે છે. વૈજ્ઞાનિક રીતે ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શારીરિક તણાવ ઓછો થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને રક્ત પ્રવાહ સારી રીતે કાર્ય કરે છે.
કુંભ મેળાનો સૌથી મહત્વનો કાર્યક્રમ છે, શાહી સ્નાન.વિશેષ મુહૂર્તમાં સાધુ સમાજ પૂરા ઠાઠમાઠથી સરઘસ રૂપે સ્નાન માટે નીકળે છે. દરેક સંપ્રદાયના અલગ અલગ સરઘસ નીકળે છે. તેનો ક્રમ નક્કી કરેલો હોય છે. સાધુ સમાજના શાહી સ્નાન પછી આમ જનતા શાહી સ્નાન કરવા નીકળે છે. આ વર્ષના કુંભ મેળામાં આ પ્રમાણે શાહી સ્નાન કરવામાં આવશે : 13 મી જાન્યુઆરી, 2025 પોષ સુદ પૂર્ણિમા, 14 મી જાન્યુઆરી,2025 મકરસંક્રાંતિ, 29 મી જાન્યુઆરી,2025 મૌની અમાવસ્યા, બીજી ફેબ્રુઆરી, 2025 વસંત પંચમી, 12 મી ફેબ્રુઆરી, 2025 માઘ સુદ પૂર્ણિમા અને 26 મી ફેબ્રુઆરી,2025 મહાશિવરાત્રી. (અંતિમ શાહી સ્નાન)
આમ, કુંભ મેળો આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતો એક અનોખો મેળો છે, જે માનવજીવન અને પર્યાવરણ બંનેને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી છે.