- ગ્રાહક સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ ; રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 47 હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ
- છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહક સુરક્ષા મંડળીઓ દ્વારા જાગૃતિ
- માટે 544 શિબિર 468 સેમીનાર તેમજ 498 ગ્રામ શેરીસભા યોજાઈરાજ્યભરમાં અંદાજે બે હજારથી વધુ શાળા કન્ઝ્યુમર્સ અને 500 કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ કાર્યરત
- ગ્રાહક સલાહકાર કેન્દ્રો દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 06 હજારથી વધુ ગ્રાહકોને નિ:શુલ્ક માર્ગદર્શન
- ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્યમાં ગ્રાહક હેલ્પલાઈન નંબર 1800 2330 222 કાર્યરત
રાજ્યના કોઈપણ નાગરિક સાથે છેતરપીંડી ના થાય તેની ચિંતા રાજ્ય સરકારે હરહમેંશ કરી છે. નાગરિકોમાં ગ્રાહક સુરક્ષાની જાગૃતિ કેળવાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં રાજ્ય સરકારે બહુઆયામી પ્રયાસ હાથ ધર્યા છે. રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18002330222 કાર્યરત છે. જેમાં ગ્રાહકોને પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં આ નંબર પરથી મળેલ 47 હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું છે.
હાલ રાજ્યભરમાં અંદાજે ૫૩ જેટલા ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે. આ મંડળીઓ દ્વારા ગ્રાહકોને જાગૃત્ત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં 544 શિબિર- વર્કશોપ, 468 સેમિનાર, પરિસંવાદ, વેબિનાર તેમજ ૪૯૮ ગ્રામ શેરીસભા યોજવવામાં આવી છે. જ્યારે 4.24 લાખથી વધુ ગ્રાહક જાગૃતિની પત્રિકા અને 1.53 લાખથી વધુ પાક્ષિક- માસિક પ્રસિદ્ધ કરી ગ્રાહકોમાં જાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા છેલ્લા 03 વર્ષમાં ગ્રાહક સુરક્ષાની 4,373 ફરિયાદો મધ્યસ્થા અને સમજાવટ કરીને પૂર્ણ કરવામાં આવી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2020માં ગ્રાહકોને નિઃશૂલ્ક સલાહ આપવા રાજ્યમાં ગ્રાહક સલાહકાર કેન્દ્રો જુદા- જુદા ૨૧ સ્થળે સ્થાપવવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 06 હજારથી વધુ ગ્રાહકોને નિ:શૂલ્ક સલાહ તેમજ માર્ગદર્શન આપી તેમની સમસ્યા દૂર કરી છે. આ સલાહ કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ. 12.31 લાખ સહાય ચૂકવાય છે.
રાજ્યના ભવિષ્યના ગ્રાહકો સશક્ત અને જાગૃત બને તે માટે ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા શાળા અને કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ યોજના હેઠળ ક્લબ સ્થાપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજે બે હજાર શાળા કન્ઝ્યુમર્સ અને 500 કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ કાર્યરત છે. જેમાં દર વર્ષે કલબ દિઠ રૂ. 5,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
રાજ્યમાં ગ્રાહક જાગૃતિની પ્રવૃતિ વેગવંતી બને તેવા ઉમદા આશયથી દર વર્ષે બજેટમાં અંદાજે રૂ. એક કરોડની જોગવાઇ કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યવ્યાપી એસ.ટી. બસની સાઇડ પેનલ પર જાહેરાત, રેડિયો સ્ટેશન અને આકાશવાણીમાં જાહેરાત અપાય છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાના અગત્યના સ્થળો પર હોર્ડિંગ, ગ્રામ પંચાયત, સરકારી કચેરી, સસ્તા અનાજની દુકાન પર ફ્લેક્ષ બેનર પર જાહેરાત સાથે જ, ગ્રાહક સુરક્ષાના કેલેન્ડર, સાહિત્ય, પેમ્ફ્લેટ છપાવીને ગ્રાહકને જાગૃત અને સશક્ત બનાવવાની કામગીરી બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ક્ન્ઝયુમર્સ અર્ફેસ એન્ડ પ્રોટેકશન એજ્ન્સી મારફતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓને પણ સામેલ કરી લોકશાહી ઢબે નિર્ણય નિમાર્ણની કામગીરી હાથ ધરવામાં આવે છે. સાથે જ રાજ્યભરમાં આવેલા ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાકીય સહાય અપાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાના ગ્રાહક સુરક્ષા મંડળને વાર્ષિક રૂ.૭૫ હજાર, રૂ. એક લાખ જિલ્લાકક્ષા તેમજ રૂ. 1.25 લાખ મ્યુનિસિપલ કોપૉરેશન કક્ષાની મંડળીઓને ચૂકવવામાં આવે છે.