- આણંદમાં કરૂણાંતિકા
- અજાણ્યા વાહનની ઠોકરે બેના ઘટનાસ્થળે મોત: એક યુવકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો
આણંદમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. કાકાજી સસરાના અકસ્માતની જાણ થતાં ભાળ મેળવવા માટે ઘરેથી બાઈક પર ટ્રિપલ સવારીમાં નીકળેલા જમાઈ, સાળા સહીત ત્રણને અજાણ્યા વાહને ટક્કરે લેતા ત્રણેયના મોત નીપજ્યા છે.
મામલામાં આણંદના ભાલેજ પોલીસમાં સુરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા નામના 26 વર્ષીય યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મામાંના દીકરા રમણભાઈને સંતાનામાં દીકરી પ્રિયંકાના લગ્ન પંચમહાલના પ્રતાપપુરા ગામે વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ સાથે થયેલ હતા. ઉપરાંત મારા કૌટુંબિક મામા સવજીભાઈ ડાભી અમારા ઘરની નજીક રહે છે જેમને સંતાનમાં મહેશ(ઉ.વ.31), સોનલ(ઉ.વ.20) અને નરેશ(ઉ.વ.17) છે. મારા મામાના દીકરા રમણભાઈની દીકરી પ્રિયંકા તથા જમાઇ વિજયસિંહ બંન્ને જણા ઉતરાયણની ઉજવણી કરવા આવેલ હતા. દરમિયાન ગઈકાલે સાંજના સમયે
મામા જશવંતભાઈ ડાભીના દિકરા બળવંતભાઈ કે જેઓ બાઇક લઇને કામ અર્થે નડીયાદ ગયેલ હતા તેમને છએક વાગ્યે સલુણ નજીક અકસ્માત થયાના સમાચાર આવતા ભત્રીજા જમાઇ વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ, તેમનો સાળો નીલેશભાઈ રમણભાઈ ડાભી તથા મારા કુટુમ્બી મામાનો દીકરો નરેશભાઈ સવજીભાઈ ડાભી એમ ત્રણેય સાડા છ વાગ્યાં આસપાસ જીજે-17-સીજે-2088 બાઈક લઈને સલુણ જવા નીકળ્યા હતા. થોડીવારમાં હું પણ મારા મિત્રની ગાડી લઈને સલુણ જવા નીકળ્યો હતો.
દરમિયાન સાતેક વાગ્યાની આસપાસ પણસોરાથી વણસોલ તરફ પસાર થઇ રહ્યો હતો ત્યારે યોગી રાઇસ મીલ સામે રોડ ઉપર ટોળુ થયેલ હોય અને અકસ્માત થયાનું જાણવા મળતા હું ઘટનાસ્થળે ગયો હતો. જ્યાં જોતા ભત્રીજા જમાઇ વિજયસિંહ, ભત્રીજો નિલેશ તથા મારા મામાનો દીકરો નરેશ રોડ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ જોવા મળ્યા હતા. ત્યાં હાજર ટોળાંને અકસ્માત અંગે પૂછતાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટકકર મારી અકસ્માત સર્જી નાસી ગયાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક 108 એમ્બયુલન્સ બોલાવતા ભત્રીજા જમાઈ વિજયસિંહને પગમાં તથા કમ્મરના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમજ મામાનો દિકરો નરેશને કમ્મરના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ ઉપર મરણ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. જયારે નિલેશને ઈજાગ્રસ્ત હાલતમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં નિલેશે પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
નાસિકમાં પીકઅપ વાહન આઇશરની પાછળ ઘુસી જતાં આઠ વ્યકિતના મોત, આઠ ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રના નાશિકમાં રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે એક પીકઅપ વાહન લોખંડના સળિયાથી ભરેલા આઇશર વાહન સાથે અથડાયું હતું. આ ઘટનામાં પીકઅપમાં મુસાફરી કરી રહેલા 8 લોકોનાં મોત થયા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત નાસિક-મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર થયો હતો. પીકઅપમાં 16 લોકો સવાર હતા. આ તમામ નિફાડમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને સિડકો પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે જ્યારે વાહન અયપ્પા મંદિર પાસે પહોંચ્યું ત્યારે પીકઅપ ચાલકે કાબૂ ગુમાવી દીધો. આ પછી પાછળથી લોખંડના સળિયાથી ભરેલા આઇશરમાં ઘુસી ગઈ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો અને પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કેટલાકની હાલત નાજુક છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.